UK Air Traffic Control: બ્રિટનના ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અચાનક ખોરવાઈ ગઈ છે. દેશની નેશનલ એર ટ્રાફિક સર્વિસ (NATS)ના કોમ્પ્યુટર નેટવર્ક અને ફ્લાઈટ પ્લાનિંગ સિસ્ટમમાં સર્જાયેલી અચાનક ટેકનિકલ ખામીના કારણે 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે. આ ટેકનિકલ ખામીના કારણે લંડનનું હીથ્રો, ગેટવિક અને લ્યુટન સહિત દેશના તમામ મુખ્ય એરપોર્ટ પર ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.
સિસ્ટમ ઠપ્પ થતાં ફ્લાઈટ્સ ગ્રાઉન્ડેડ
મળેલી માહિતી મુજબ, એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ફ્લાઈટ ડેટા પ્રોસેસ કરવાની સ્વચાલિત ક્ષમતા અચાનક બંધ થઈ ગઈ હતી. જેના કારણે એર ટ્રાફિક કંટ્રોલર્સે મેન્યુઅલી ફ્લાઈટ્સ કંટ્રોલ કરવી પડી હતી. સુરક્ષાના કારણોસર યુકેના એરસ્પેસમાંથી પસાર થતી અને ત્યાંથી ટેક-ઓફ કે લેન્ડિંગ કરતી સેંકડો ફ્લાઈટ્સને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી હતી અથવા તેના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
મુસાફરોને ભારે હાલાકી, એરપોર્ટ પર વિરોધ
ફ્લાઈટ્સ રદ થવાને કારણે રજાઓ ગાળવા જઈ રહેલા કે બિઝનેસ ટ્રિપ પર નીકળેલા હજારો મુસાફરો એરપોર્ટ ટર્મિનલ પર જ અટવાઈ પડ્યા હતા. ઘણા મુસાફરોએ કલાકો સુધી પ્લેનમાં જ બેસી રહેવું પડ્યું હતું. એરપોર્ટ પર ફૂડ, રહેઠાણ અને રિફંડને લઈને વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
બ્રિટિશ એરવેઝ અને અન્ય એરલાઈન્સની ચેતવણી
બ્રિટિશ એરવેઝ, અલીતાલિયા અને ઈઝીજેટ સહિતની અગ્રણી એરલાઈન્સે પોતાના મુસાફરોને એરપોર્ટ પર આવતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરવા અપીલ કરી છે. એરલાઈન્સ કંપનીઓએ જણાવ્યું છે કે, ભલે સિસ્ટમ રિપેર કરી લેવામાં આવે તો પણ આટલી મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ પેન્ડિંગ હોવાથી આગામી બે થી ત્રણ દિવસ સુધી શિડ્યુલ સામાન્ય થવામાં સમય લાગશે.
સરકાર અને NATSનું સ્પષ્ટીકરણ
યુકેની નેશનલ એર ટ્રાફિક સર્વિસ (NATS) એ સ્પષ્ટતા કરી છે કે આ ઘટના કોઈ સાયબર એટેક નથી, પરંતુ સિસ્ટમમાં આવેલી આંતરિક ટેકનિકલ ખામી છે. એન્જિનિયરોની ટીમે ખામી શોધીને તેને સુધારવાની કામગીરી શરૂ કરી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
