Pakistan Blast: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમી પ્રાંત ખૈબર પખ્તુનખ્વાના અશાંત એવા સ્વાત (Swat) જિલ્લામાં એક ભયાનક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. સ્વાતના એક સ્થાનિક પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે થયેલા આ હુમલામાં અત્યાર સુધીમાં 14 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
સિક્યોરિટી ચેકિંગ દરમિયાન આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કર્યો
'ડૉન ન્યૂઝ' (Don News)ના રિપોર્ટ અનુસાર, સ્વાત જિલ્લાના સિનિયર પોલીસ અધિકારી ઉમર ખાને ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, એક શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરે પોલીસ સ્ટેશન પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે ગેટ પર તૈનાત પોલીસ કર્મચારીઓએ હુમલાખોરને શંકાસ્પદ જણાતા તેને રોક્યો અને તેની તલાશી લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે જ તેણે પોતાના શરીર પર બાંધેલા વિસ્ફોટકોથી ભરેલા જેકેટમાં ભયાનક વિસ્ફોટ કરી દીધો હતો.
આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના વિસ્તારમાં મોટો ધુમાડો ફેલાઈ ગયો હતો.
દહેશતગર્દી વિરોધી પ્રદર્શન દરમિયાન થયો ધમાકો
ઘટના સમયે સ્થિતિ અત્યંત ગંભીર હતી કારણ કે સ્વાત ઘાટીમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા આતંકવાદ અને અશાંતિના વિરોધમાં નજીકના જ કાબુલ ચોક પર સેંકડો સ્થાનિક લોકો શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા.
ધમાકો થતાં જ પ્રદર્શનકારીઓ અને આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ઘટના બાદ તરત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો અને કટોકટી જાહેર કરી દીધી હતી.
હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર, બચાવ કાર્ય ચાલુ
ઘટના બાદ સ્થાનિક રાહત ટુકડીઓ અને એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સૈદૂ શરીફ ટીચિંગ હોસ્પિટલ (Saidu Sharif Teaching Hospital) માં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા મુજબ કેટલાક ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
હાલ સુધી કોઈ પણ આતંકવાદી જૂથ કે સંગઠને આ આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જોકે, સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરીને તપાસના આદેશ આપ્યા છે.
