Sudan Gold Mine Collapse: આફ્રિકી દેશ સુદાનના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડવાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 11 ખનીજ મજૂરોના મોત થયા છે, જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ સ્થાનિક પ્રશાસન અને તંત્ર દ્વારા કાટમાળ નીચે દબાયેલા અને ગુમ લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
શનિવારે મોડી રાત્રે ઓની વિસ્તારમાં બની ઘટના
મળતી વિગતો અનુસાર, ઉત્તર-પૂર્વના Red Sea રાજ્યના અતિ દૂરના વિસ્તાર ઓની (Onib) ખાતે આવેલી સોનાની ખાણમાં શનિવારે રાત્રે આ હોનારત બની હતી. સરકારી કંપની સૂડાનીઝ મિનરલ રિસોર્સિસના એક અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપતા જણાવ્યું કે, રવિવાર સુધીમાં 11 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, અને 30 લોકોને બચાવી લેવાયા છે. દબાયેલા અન્ય લોકોની શોધખોળ હજુ પણ ચાલુ જ છે.
એક જ સપ્તાહમાં ખાણ ધસી પડવાની બીજી ઘટના
સુદાનમાં અનૌપચારિક અને ગેરકાયદેસર રીતે ચાલતી સોનાની ખદાનોમાં એક અઠવાડિયાની અંદર ખાણ ધસી પડવાની આ બીજી દુર્ઘટના છે. આ અગાઉ ગત રવિવારે દેશના પશ્ચિમ ભાગમાં આવેલી સોનાની એક ખાણની ઘણી બધી સુરંગો ધસી પડી, જેમાં ઓછામાં ઓછા 82 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ વિસ્તાર પેરામિલેટ્રી 'રેપિડ સપોર્ટ ફોર્સિસ' (Rapid Support Forces - RSF) નિયંત્રણ હેઠળ છે, જે ગત ત્રણ વર્ષથી વધુ સમયથી સુદાની સેના સામે યુદ્ધ લડી રહી છે.
