SpaceX Starship Catch: અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં એલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) એ વધુ એક અકલ્પનીય અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શનિવારે, ભ્રમણકક્ષામાં 22 કલાકની સફળ મુસાફરી પૂર્ણ કરીને પરત ફરી રહેલા વિશ્વના સૌથી શક્તિશાળી અવકાશયાન 'સ્ટારશિપ' (Starship) ને ટેક્સાસ સ્થિત લોન્ચ ટાવરની વિશાળ યાંત્રિક ભુજાઓ—જેને 'મેકાઝિલા' (Mechazilla) તરીકે ઓળખવામાં આવે છે. દ્વારા જમીન પર ઉતર્યા વિના હવામાં જ સફળતાપૂર્વક પકડી લેવામાં આવ્યું હતું.
પુનઃઉપયોગી રોકેટ ટેક્નોલોજીમાં મહત્વનું સીમાચિહ્ન
અવકાશમાંથી પરત ફરી રહેલા સ્ટારશિપ અવકાશયાનને લોન્ચ ટાવર દ્વારા હવામાં જ સુરક્ષિત રીતે ઝીલી લેવાની વિશ્વની આ પ્રથમ ઘટના છે. આ સફળતા એલોન મસ્કના સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવી રોકેટ પ્રણાલી વિકસાવવાના મહત્વાકાંક્ષી સ્વપ્ન તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે.
વાદળોને ચીરીને પૃથ્વી તરફ નીચે ઉતરતી વખતે સ્ટારશિપે ચોક્કસ સમયે પોતાના એન્જિનો ફરીથી ચાલુ કર્યા હતા. ત્યારબાદ અવકાશયાને અત્યંત સચોટતાથી પોતાની જાતને સીધી સ્થિતિમાં ગોઠવી હતી અને લોન્ચ ટાવરની વિશાળ યાંત્રિક ભુજાઓ વચ્ચે તેને હળવાશથી તેમજ સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યું હતું. એન્જિનો બંધ થયા બાદ પણ આ વિશાળકાય અવકાશયાન જમીનથી ઉપર હવામાં જ સ્થિર લટકતું રહ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો શેર કરતાં સ્પેસએક્સે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "મેકાઝિલાએ સ્ટારશિપને પકડી લીધું છે! સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન."
મિશનની મુખ્ય વિગતો
આ 407 ફૂટ ઊંચા મહાકાય રોકેટે શુક્રવારે બપોરે ટેક્સાસના 'સ્ટારબેઝ' લોન્ચપેડ પરથી ભવ્ય ઉડાન ભરી હતી. ઉડાન બાદ રોકેટના બંને તબક્કા સફળતાપૂર્વક અલગ થયા હતા. ઉપલા તબક્કાનું સ્ટારશિપ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું, જ્યાં તેણે 26 અદ્યતન 'સ્ટારલિંક' ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં તરતા મૂક્યા હતા.
ત્યારબાદ સ્ટારશિપે આશરે 260 થી 265 કિલોમીટરની ઊંચાઈએ રહીને પૃથ્વીની 14 પ્રદક્ષિણાઓ પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સ્પેસએક્સનું આ 15મું સંપૂર્ણ કદનું સ્ટારશિપ પરીક્ષણ મિશન હતું અને ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં આ તેની બીજી સફળ ઉડાન સાબિત થઈ છે. આ સફળતાથી ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ પર માનવ મિશન મોકલવાનો માર્ગ વધુ સરળ બન્યો છે.
