Washington DC Firing: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ગુરુવારે સવારે અચાનક થયેલા ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. રાષ્ટ્રપતિ ભવન એટલે કે વ્હાઇટ હાઉસથી માત્ર એક માઈલના અંતરે આવેલા 'લોગન સર્કલ' વિસ્તારમાં થયેલા આ ફાયરિંગમાં પાંચ લોકોને ગોળી વાગી છે, જેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, ગુરુવારે સવારે લોગન સર્કલ પાસે ગોળીબાર થયો હોવાના સમાચાર મળતા જ વોશિંગ્ટન ડીસીનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ (MPD)ના જણાવ્યા અનુસાર, ફાયરિંગ કરનાર હુમલાખોર નજીકની જ કોઈ ઈમારતમાં છુપાયો હોવાની પ્રબળ આશંકા છે. પોલીસ પ્રવક્તા નિકોલ ડીનરે જણાવ્યું હતું કે હુમલાખોર હજુ સુધી પોલીસની પકડથી દૂર છે અને ગોળીબારનું ચોક્કસ કારણ કે ચોક્કસ સ્થળ અંગે તપાસ ચાલી રહી છે.
સમગ્ર વિસ્તારની ઘેરાબંધી અને એલર્ટ
પોલીસ દ્વારા 15મી સ્ટ્રીટ નોર્થ-વેસ્ટ (15th Street NW) ના 1500 બ્લોક સહિત આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે આ વિસ્તારની દુકાનો, એક ચર્ચ અને રહેણાંક ઈમારતોની ચારેબાજુથી ઘેરાબંધી કરી દીધી છે. પોલીસ વિભાગે સ્થાનિક નાગરિકોને હાલ પૂરતા આ વિસ્તારથી દૂર રહેવા અને ઘરની અંદર જ સુરક્ષિત રહેવા ખાસ અપીલ કરી છે.
ઘાયલોની સ્થિતિ અને પ્રત્યક્ષદર્શીઓનો અનુભવ
સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, ગોળી વાગવાથી ઘાયલ થયેલા અન્ય ચાર લોકોની ઓળખ કે તેમની હાલની તબિયત અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી.
ઘટના સમયે નજીકના એપાર્ટમેન્ટમાં હાજર રહેલા રાયન ડુબિકી નામના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે- સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ મને સતત પાંચેક વખત જોરદાર ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. અવાજ અટકી-અટકીને આવતો હોવાથી શરૂઆતમાં તો મને લાગ્યું કે કદાચ નજીકમાં કોઈ બાંધકામ (કન્સ્ટ્રક્શન) ચાલી રહ્યું હશે. પરંતુ જ્યારે મેં બારીમાંથી બહાર જોયું તો આખો રસ્તો પોલીસની ગાડીઓ અને જવાનોથી ભરાઈ ગયો હતો. ડુબિકીએ વધુમાં ઉમેર્યું કે ત્યારબાદ તરત જ તેમના બિલ્ડિંગ મેનેજમેન્ટ તરફથી તમામ રહેવાસીઓને ચેતવણી આપતો મેસેજ મળ્યો હતો કે વિસ્તારમાં કોઈ હથિયારધારી હુમલાખોર છુપાયેલો હોઈ શકે છે.
'એક્ટિવ શૂટર'ની સ્થિતિ જાહેર
'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલ મુજબ, આ ફાયરિંગ 15મી અને પી સ્ટ્રીટ નોર્થ-વેસ્ટ (15th and P Street NW) ના ચાર રસ્તા નજીક થયું હતું. મેટ્રોપોલિટન પોલીસ પ્રવક્તા ઓફિસર લી લેપેએ આ ઘટનાને 'એક્ટિવ શૂટર' (Active Shooter)ની ગંભીર સ્થિતિ ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પોલીસ અત્યારે શંકાસ્પદ હુમલાખોરને શોધી રહી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ચોક્કસ હુલિયો કે ઓળખ સામે આવી નથી. વ્હાઇટ હાઉસની આટલી નજીક બનેલી આ ઘટનાને પગલે અમેરિકી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
