ઘર વાપસીની શેખ હસીનાની જીદ, ઢાકા એમ્બેસી પાસે માગ્યો નવો પાસપોર્ટ; બાંગ્લાદેશ સરકારે આપ્યો કડક જવાબ

શેખ હસીનાએ ઢાકા પાછા ફરવા નવો પાસપોર્ટ માગ્યો પરંતુ બાંગ્લાદેશ સરકારે અરજી ફગાવી કડક ચેતવણી આપી છે. જાણો તારિક રહેમાનના ભારત પ્રવાસ અને ગંગા જળ સંધિ પર આ વિવાદની શું અસર પડશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 09 Nov 2026 09:29 PM (IST)Updated: Mon, 09 Nov 2026 09:29 PM (IST)
sheikh-hasina-passport-row-bangladesh-refuses-return

Sheikh Hasina Passport News: બાંગ્લાદેશના રાજકારણમાં આગામી દિવસોમાં વધુ એક મોટો ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. દેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અને વર્તમાન તારિક રહેમાન સરકાર વચ્ચેનો તણાવ હવે માત્ર બાંગ્લાદેશ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તેની સીધી અને ગંભીર અસર ભારત અને બાંગ્લાદેશના દ્વિપક્ષીય સંબંધો પર પડી રહી છે.

ઓગસ્ટ 2024માં દેશ છોડ્યા બાદ પ્રથમ વખત શેખ હસીનાએ બાંગ્લાદેશી અધિકારીઓ સાથે ઔપચારિક સંપર્ક કર્યો છે, જેનાથી બાંગ્લાદેશ અને ભારત બંને દેશોના રાજકીય અને કૂટનીતિક હલચલમાં ભારે ગરમાવો આવી ગયો છે.

લંડનથી ઈમેલ અને નવા પાસપોર્ટની માગ

લંડનસ્થિત લો ફર્મ 'મેટ્રિક્સ ચેમ્બર્સ' દ્વારા 9 નવેમ્બરે નવી દિલ્હીસ્થિત બાંગ્લાદેશ હાઈકમિશનના કાર્યવાહક હાઈકમિશનર પ્રીતિ રહેમાનને એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં શેખ હસીના માટે નવો બાંગ્લાદેશી પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર (NID) જારી કરવા વિનંતી કરવામાં આવી છે.

હસીનાનો પક્ષ: ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંધિઓ અને નાગરિકતાના અધિકાર મુજબ તેમને નવા દસ્તાવેજો મળવા જોઈએ, કારણ કે અંતરિમ સરકાર દ્વારા તેમના જૂના પાસપોર્ટ અને NID રદ કરવામાં આવ્યા હતા.

ડિસેમ્બરમાં સરેન્ડર કરવાની યોજના: શેખ હસીના આવતા ડિસેમ્બર મહિનામાં ઢાકા પાછા ફરીને અદાલત સમક્ષ આત્મસમર્પણ (Surrender) કરવા માગે છે.

બાંગ્લાદેશ સરકારનો કડક પ્રત્યુત્તર: 'પાસપોર્ટ નહીં, હાથકડી મળશે'

બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી હુમાયું કબીરે આ માંગણીને સખત શબ્દોમાં ફગાવી દેતાં તેને એક 'નાટક' અને 'વાહિયાત પગલું' ગણાવ્યું છે. મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે, બાંગ્લાદેશ આતંકવાદીઓ કે ફરાર અપરાધીઓને પાસપોર્ટ આપતું નથી. જો શેખ હસીના ખરેખર દેશમાં પાછા આવવા માગતા હોય, તો સામાન્ય પાસપોર્ટથી નહીં પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ (Extradition Treaty) હેઠળ આવવું પડશે.

વિદેશ રાજ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે તેઓ દેશ છોડીને ભાગી ગયા હતા. હવે જો તેઓ આવશે તો ભારત સરકાર તેમને સોંપશે, તેઓ ચુસ્ત સુરક્ષા અને હાથકડી સાથે જ બાંગ્લાદેશ આવશે અને જેલમાં જઈને કોર્ટના ચુકાદાનો સામનો કરશે.

ભારત-બાંગ્લાદેશ સંબંધો પર ગંભીર અસર

શેખ હસીનાના આ કદમથી ભારત માટે કૂટનીતિક ધર્મસંકટ ઊભું થયું છે.

તારિક રહમાનનો ભારત પ્રવાસ અનિશ્ચિત

બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન 2026માં ભારતની મુલાકાતે આવવાના હતા. ઢાકામાં ભારતીય હાઈકમિશનર દિનેશ ત્રિપાઠીએ પણ ટૂંક સમયમાં આ પ્રવાસ યોજાશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ શેખ હસીનાની 'ઘર વાપસી'ના આ મુદ્દા બાદ આ પ્રવાસ પર કાળો પડછાયો મંડરાઈ રહ્યો છે અને મુલાકાતને અંતિમ રૂપ આપવું મુશ્કેલ બની રહ્યું છે.

ગંગા જળ સંધિ (Ganga Water Treaty 2026)

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1996માં થયેલી ઐતિહાસિક ગંગા જળ વહેંચણી સંધિની મુદત 12 ડિસેમ્બર, 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. ત્યારે આ સંધિનું નવીનીકરણ (Renewal) બંને દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જેસવાલે હાલમાં જ સ્પષ્ટતા કરી છે કે આ મુદ્દે અત્યાર સુધી કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી.

શેખ હસીનાની બાંગ્લાદેશ પરત ફરવાની જીદ અને પાસપોર્ટની માગણીએ ઢાકાથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો લાવી દીધો છે. એક તરફ બાંગ્લાદેશ સરકાર તેમને 'ફરાર અપરાધી' ગણાવી પ્રત્યાર્પણની માગ કરી રહી છે, તો બીજી તરફ ભારત સરકાર પોતાના પાડોશી દેશ સાથેના સંબંધો સાચવવા અને કાયદાકીય મર્યાદાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે. ડિસેમ્બર મહિનો બાંગ્લાદેશના રાજકારણ અને દક્ષિણ એશિયાની કૂટનીતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.