Sheikh Hasina Passport Controversy: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ (NID) સાથે જોડાયેલા એક પત્રની અધિકૃતતાને લઈને નવો વિવાદ સર્જાયો છે. લંડન સ્થિત જાણીતી લો ફર્મ 'મેટ્રિક્સ ચેમ્બર્સ' (Matrix Chambers) દ્વારા નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનને મોકલવામાં આવેલા આ પત્રમાં શેખ હસીનાની સહી બનાવટી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તારિક રહેમાનના રાજકીય સહયોગી મોહમ્મદ રાશિદ ખાને આ મામલે સવાલ ઉઠાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
સહી બનાવટી હોવાનો શું છે દાવો?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટ દ્વારા મોહમ્મદ રાશિદ ખાને દાવો કર્યો છે કે નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનના અધિકારીઓએ પત્રની ચકાસણી કરી હતી, જેમાં સહી બનાવટી હોવાનું સામે આવ્યું છે. રાશિદના જણાવ્યા અનુસાર, તેમણે હાઈ કમિશનના એક અધિકારી સાથે વિગતવાર વાતચીત કરી હતી અને તપાસ દરમિયાન સહી અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે.
રાશિદે દલીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિની સહી સત્તાવાર રેકોર્ડ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ પર નોંધાયેલી સહી સાથે મેળ ખાતી હોવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન પદ દરમિયાન શેખ હસીના મોટાભાગના સત્તાવાર દસ્તાવેજો પર બંગાળી ભાષામાં સહી કરતા હતા, તેથી આવી મહત્વપૂર્ણ અરજીમાં અલગ અથવા બનાવટી સહી કેવી રીતે હોઈ શકે? તેમણે મેટ્રિક્સ ચેમ્બર્સના વકીલો પર પણ કટાક્ષ કરતા કહ્યું કે દસ્તાવેજ મોકલતા પહેલા સહીની ભાષા અને વિગતોની ચકાસણી કરવી જરૂરી હતી.
આ સંબંધિત દસ્તાવેજો અવામી લીગના નેતાઓએ તેમના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ શેર કર્યા હતા. જોકે, પત્રની સત્યતા અને તેમાં સહી બનાવટી હોવાના દાવાઓની સ્વતંત્ર રીતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
સમગ્ર મામલો શું છે?
આ મહિનાની શરૂઆતમાં લંડનની લો ફર્મ 'મેટ્રિક્સ ચેમ્બર્સ' દ્વારા નવી દિલ્હીમાં બાંગ્લાદેશના કાર્યકારી હાઈ કમિશનરને એક ઈમેલ અને પત્ર મોકલવામાં આવ્યા હતા. તેમાં શેખ હસીનાના પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ (NID) જારી કરવાની પ્રક્રિયામાં જરૂરી સહયોગ અને ઝડપી કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી હતી. પત્રમાં હસીનાની બાંગ્લાદેશી નાગરિકતા તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંબંધિત જોગવાઈઓનો હવાલો આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ, 2024ના રોજ વિદ્યાર્થી આંદોલન અને વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું અને તેઓ ભારત આવી ગયા હતા, ત્યારથી તેઓ ભારતમાં જ નિવાસ કરી રહ્યા છે. બીજી તરફ, બાંગ્લાદેશ દ્વારા હસીનાના પ્રત્યાર્પણની માંગણીઓ થતી રહી છે, જ્યારે અગાઉ ઓગસ્ટ મહિનામાં ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત પણ ચર્ચામાં રહી હતી. આ નવા વિવાદને કારણે દ્વિપક્ષીય રાજકીય ઘટનાક્રમ પર સૌની નજર મંડાઈ છે.
