Sheikh Hasina: લાંબા સમયથી ભારતમાં રહેતા બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ પોતાના દેશમાં પરત ફરવાની જાહેરાત કરતા હડકંપ મચી ગયો છે. તેમના પ્રવક્તાએ જાણકારી આપતા જણાવ્યું છે કે, હસીનાએ પહેલીવાર કોઈ નિશ્ચિત તારીખ જણાવીને વાપસીની જાહેરાત કરી છે. મહત્વની વાત છે કે, પૂર્વ પ્રધાનમંત્રીએ જે તારીખે બાંગ્લાદેશમાં પરત ફરવાની જાહેરાત કરી છે તે સમગ્ર બાંગ્લાદેશ માટે અતિ મહત્વ ધરાવે છે.
16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત
શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવા માટે 16 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. આ એજ દિવસ છે જ્યારે 1971 મા બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થયું હતું. તમને જણાવી દઈએ કે, શેખ હસીના છેલ્લા બે વર્ષથી ભારતમાં રહે છે. હવે 16 ડિસેમ્બરે વિજય દિવસના અવસરે વતન પરત ફરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. નોંધનિય છે કે, આ પહેલા પણ શેખ હસીનાએ ઘણા પ્રસંગે બાંગ્લાદેશ પરત ફરવાની વાત કરી હતી પરંતુ ક્યારેય તારીખ જાહેર કરી નહોતી. તેમની જાહેરાતથી બાંગ્લાદેશમાં તણાવ વધી શકે છે. થોડા દિવસ પહેલા જ બાંગ્લાદેશમાં તેમની પાર્ટીના કાર્યકરો પર હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. જ્યારથી શેખ હસીનાએ આ મહિને નવો પાસપોર્ટ અને બીજા દસ્તાવેજો માગ્યા છે ત્યારથી બાંગ્લાદેશમાં તણાવ વધી ગયો છે અને ઠેર ઠેર પ્રદર્શનો થઈ રહ્યા છે.
બાંગ્લાદેશની સરકાર પાસે વિમાન મોકલવાની કરી માંગ
શેખ હસીનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પૂર્વ પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં પરત ફરવા અંગે સરકારને અપીલ કરી છે કે તેમના માટે બાંગ્લાદેશની સરકારી એરલાઈનનું વિમાન મોકલવામાં આવે. તમને જણાવી દઈએ કે, 5 ઓગસ્ટ 2024 ના રોજ જ્યારે શેખ હસીના ભારત આવ્યા ત્યારે બાંગ્લાદેશના સરકારી વિમાનમાં જ આવ્યા હતા. તેમના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, શેખ હસીનાને બંધારણની વિરુદ્ધ જઈને બાંગ્લાદેશમાંથી બહાર કરવામાં આવ્યા હતા. હવે આ સરકારની જવાબદારી છે કે, 16 ડિસેમ્બર વિજય દિવસના અવસરે તેમની વતન વાપસી વ્યવસ્થા કરવામાં આવે.
જોકે બાંગ્લાદેશની સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે, મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકારના એક મંત્રીએ કહ્યું હતું કે, શેખ હસીનાને મોતની સજા મળેલી છે તેથી જો તેઓ બાંગ્લાદેશમાં પરત આવશે તો તેમની એરપોર્ટ પર જ ધરપકડ કરી લેવામાં આવશે અને જેલમાં મોકલી દેવામાં આવશે.
