Trump Peace Plan Rejected: મધ્ય પૂર્વમાં (Middle East) ચાલતા ભયાનક સંઘર્ષને રોકવા માટે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલા 15-મુદ્દાના શાંતિ પ્રસ્તાવને ઇઝરાયેલે સત્તાવાર રીતે ફગાવી દીધો છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી આતંકવાદી સંગઠન હમાસ સંપૂર્ણપણે તેના શસ્ત્રો હેઠા નહીં મૂકે, ત્યાં સુધી ગાઝામાં ઇઝરાયેલી સેના (IDF)ના લશ્કરી હુમલાઓ અટકશે નહીં.
નેતન્યાહૂનો સ્પષ્ટ ઇનકાર: 'સેના પાછી નહીં હટે'
ઇઝરાયેલી કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે- ઇઝરાયેલ આ 15-મુદ્દાના શાંતિ દસ્તાવેજને મંજૂરી આપતું નથી. જ્યાં સુધી હમાસ સાચા અર્થમાં તેના હથિયારોનો ત્યાગ નહીં કરે, ત્યાં સુધી IDF પાછળ નહીં હટે. અમારા નાગરિકો અને દેશની સુરક્ષા સામેના કોઈપણ ખતરાને નાબૂદ કરવા માટે સેનાના આક્રમક અભિયાનો સતત ચાલુ રહેશે.
હમાસ શાંતિ કરારના બીજા તબક્કા માટે તૈયાર
બીજી તરફ, આ મામલે હમાસનું વલણ અલગ જોવા મળી રહ્યું છે. હમાસે શાંતિ મધ્યસ્થોને કર્યું હતું કે તે અમેરિકાના સમર્થન વાળા આ પ્લાન પર આગળ વધવા માટે સજ્જ છે. હમાસના અધિકારીઓ અનુસાર, તેઓ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં નવી પેલેસ્ટિનિયન ગવર્નિંગ કમિટીને પોતાના હથિયારો સોંપવા અને કરારના બીજા તબક્કામાં પ્રવેશવા તૈયાર છે, પરંતુ તે માટે ઇઝરાયેલે પહેલા હુમલા બંધ કરીને કરારનો અમલ શરૂ કરવો પડશે. હમાસે આંતરરાષ્ટ્રીય સમુદાય અને મધ્યસ્થોને ઇઝરાયેલ પર દબાણ લાવવા અપીલ કરી છે.
મુસ્લિમ દેશોનો આક્રોશ અને રાજકીય દબાણ
હાલમાં જ સંયુક્ત અરબ અમીરાત (UAE) સહિત 8 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ એક સંયુક્ત નિવેદન જારી કરીને ગાઝામાં ઇઝરાયેલના સૈન્ય અભિયાનની સખત શબ્દોમાં નિંદા કરી હતી. આ દેશોએ આક્ષેપ કર્યો છે કે ઇઝરાયેલનું આક્રમક વલણ ટ્રમ્પના શાંતિ ફ્રેમવર્કને નિષ્ફળ બનાવી રહ્યું છે.
રાજકીય વિશ્લેષકોના મતે, ઇઝરાયેલમાં આગામી 27 ઓક્ટોબરે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ અને દેશની અંદર વધી રહેલા રાજકીય દબાણને કારણે નેતન્યાહૂ માટે હાલમાં કોઈ નમતું જોખવું શક્ય નથી.
ગાઝાના નાગરિકોની સ્થિતિ અત્યંત દયનીય
નેતાઓ વચ્ચેની આ રાજકીય અને સૈન્ય ખેંચતાણની સીધી અસર ગાઝાના સામાન્ય નાગરિકો પર પડી રહી છે. ગયા વર્ષના ઓક્ટોબર મહિનાથી શરૂ થયેલા આ લોહિયાળ સંઘર્ષમાં અત્યાર સુધીમાં હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 20 લાખથી વધુ પેલેસ્ટિનિયનો પોતાના ઘરબાર ગુમાવીને તંબુઓ અને કાટમાળ વચ્ચે અત્યંત દર્દનાક પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. શાંતિની આ આશા પર ફરીથી પાણી ફરી વળતા સમગ્ર વિસ્તારમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
