Saudi Arabia Helicopter Crash: સાઉદી અરેબિયાના દક્ષિણ-પશ્ચિમી સરહદી વિસ્તાર નજરનમાં એક સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ગોઝારા અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર બે ક્રૂ સભ્યોના કરૂણ મોત નિપજ્યા છે. સાઉદીના નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધને આ ઘટનાને એક ટેકનિકલ અકસ્માત ગણાવ્યો છે, જ્યારે બીજી તરફ યમનના હુથી બળવાખોરોએ દાવો કર્યો છે કે તેમણે આ હેલિકોપ્ટરને મિસાઈલ હુમલામાં તોડી પાડ્યું છે.
AH-6i રિકોનિસન્સ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, બે પાઇલટના મોત
સાઉદી સૈન્ય ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલિકીએ રવિવારે એક સત્તાવાર નિવેદન જારી કરીને ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, સાઉદી અરેબિયાના નજરન વિસ્તારમાં એક 'AH-6i રિકોનિસન્સ' હેલિકોપ્ટર રૂટિન મિશન દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં તેના બે ક્રૂ સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
આ ઘટના સ્થળ સાઉદી મિનિસ્ટ્રી ઓફ નેશનલ ગાર્ડના સીધા અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં આવેલું છે. સાઉદી ગઠબંધને સ્પષ્ટ કર્યું છે કે પ્રાથમિક માહિતી મુજબ આ એક દુર્ઘટના છે અને સૈન્ય દ્વારા આ મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હુથી બળવાખોરોનો વિરોધાભાસી દાવો: અપાચે તોડી પાડ્યું
સાઉદી ગઠબંધનના અકસ્માતના નિવેદનથી તદ્દન વિપરીત, ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ આ ઘટનાની જવાબદારી સ્વીકારતા વિરોધાભાસી દાવો કર્યો છે. હુથી જૂથના સૈન્ય પ્રવક્તા યહ્યા સરીએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો હતો કે તેમના જૂથે નજરન સરહદ નજીક સાઉદી અરેબિયાના એક 'અપાચે' હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે.
યહ્યા સરીના જણાવ્યા અનુસાર, સાઉદી હેલિકોપ્ટર સરહદ નજીક આવેલા હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર હવાઈ હુમલા અને નિરીક્ષણ કરી રહ્યું હતું, જેના જવાબમાં તેમણે એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને તેને નિશાન બનાવીને નીચે પાડી દીધું હતું.
હુથી પ્રવક્તાના દાવાના જવાબમાં, સાઉદી મેજર જનરલ અલ-માલિકીએ પલટવાર કરતા જણાવ્યું કે હુથીઓના દાવા પોકળ છે અને ટૂંક સમયમાં જ સૈન્ય હેલિકોપ્ટર ફરીથી યુદ્ધના મેદાનમાં તૈનાત જોવા મળશે. આ સાથે સાઉદી ગઠબંધને કેટલાક અપાચે હેલિકોપ્ટરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
નજરન વિસ્તારમાં વધી રહ્યું છે સૈન્ય તણાવ
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાનો નજરન વિસ્તાર યમન સરહદને અડીને આવેલો હોવાથી વારંવાર હુથી બળવાખોરોના ડ્રોન અને મિસાઈલ હુમલાઓનું લક્ષ્ય બનતો રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) વચ્ચે મધ્ય પૂર્વમાં વધી રહેલા ભારે તણાવની વચ્ચે હુથી બળવાખોરોએ પણ પોતાની લશ્કરી ગતિવિધિઓ અને હુમલા તેજ કરી દીધા છે.
સાઉદી ગઠબંધન અને હુથી ઉગ્રવાદી જૂથ વચ્ચે ચાલી રહેલો આ સંઘર્ષ હવે વૈશ્વિક સ્તરે અમેરિકા અને તેના સહયોગી દેશો માટે એક મોટો સુરક્ષા પડકાર બની રહ્યો છે. સરહદી વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની આ નવી ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી અને સૈન્ય હલચલ વધી ગઈ છે.
