સાઉદી અરેબિયાના એરપોર્ટ અને ઓઈલફિલ્ડ પર હૂતીનો હુમલો: એકનું મોત, ભારતીય સહિત 8 ઈજાગ્રસ્ત

સાઉદી અરેબિયાના કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલા બાદ અમેરિકાએ દૂતાવાસના કર્મચારીઓને દેશ છોડવા આદેશ આપ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 22 Oct 2026 08:35 AM (IST)Updated: Thu, 22 Oct 2026 08:35 AM (IST)
saudi-arabia-houthi-rebels-attack-airport-and-oilfield-dammam-indian-injured-us-embassy-staff-evacuation

Saudi Arabia Airport Attack: સાઉદી અરેબિયાના પૂર્વ ભાગમાં આવેલા દમ્મામ સ્થિત કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સાંજે હૂતી વિદ્રોહીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 1 વ્યક્તિનું મોત થયું અને 8 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, ઈજાગ્રસ્તોની હાલત સામાન્યથી લઈને ગંભીર સુધીની છે તથા એરપોર્ટને થયેલા ભૌતિક નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે.

હુમલો કઈ રીતે થયો તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ તાજેતરના દિવસોમાં યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ દ્વારા પ્રોજેક્ટાઇલ વડે સાઉદી એરપોર્ટ પર વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલો ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે થયો છે, જેના કારણે સાઉદી અરેબિયાના અનેક એરપોર્ટ પ્રભાવિત થયા છે.

હૂતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયા પર થઈ રહેલા સતત હુમલાઓને ધ્યાનમાં રાખીને અમેરિકાના વિદેશ વિભાગે બુધવારે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. વાશિંગ્ટને સાઉદી અરેબિયામાં સ્થિત અમેરિકી દૂતાવાસના બિન-જરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારોને દેશ છોડી દેવાનો નિર્દેશ આપ્યો છે. રાજદ્વારી સૂત્રોના અનુસાર ખાડી દેશમાં સ્થિત અમેરિકી દૂતાવાસમાંથી તમામ બિન-જરૂરી અમેરિકી કર્મચારીઓ અને તેમના પરિવારજનોને પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સિવાય સાઉદી અરેબિયાના પ્રમુખ તેલ ઉત્પાદન કેન્દ્ર એવા શૈબા ઓઇલફિલ્ડ પર પણ હુમલો થયો છે, જેમાં 1 ભારતીય નાગરિક ઈજાગ્રસ્ત થયો છે. સાઉદી અરેબિયા સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તેઓ સાઉદી અધિકારીઓના સાતત્યપૂર્ણ સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસ ઈજાગ્રસ્ત ભારતીય નાગરિકની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને તેમને શક્ય તમામ જરૂરી સહાય સુનિશ્ચિત કરી રહ્યું છે.