Antonov An-124 Toronto Airport: રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ કેનેડા દ્વારા રશિયન વિમાનો પર મૂકવામાં આવેલા પ્રતિબંધોના કારણે છેલ્લા ચાર વર્ષથી રશિયાનું એક વિશાળ માલવાહક વિમાન (Antonov An-124) ટોરોન્ટોના પિયરસન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાયેલું છે. તાજેતરમાં કેનેડિયન ફેડરલ કોર્ટે રશિયન ઓપરેટર 'વોલ્ગા-ડનેપર એરલાઇન્સ'ની આ વિમાન પરથી રોક હટાવવાની અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ કેનેડા સરકારે આ અબજો રૂપિયાના પ્લેનને સત્તાવાર રીતે જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
100 મિલિયન ડોલરના વળતરની માંગ
આ પ્લેન એરપોર્ટ પર ઉભું હોવાના કારણે જ રશિયન એરલાઇન પર 1 મિલિયન ડોલર (આશરે 8.3 કરોડ રૂપિયા)થી વધુનું એરપોર્ટ પાર્કિંગ ભાડું ચડી ગયું છે. એરલાઇને આ દંડ ભરી દીધો હોવા છતાં વિમાનને ઉડાન ભરવાની મંજૂરી ન મળતાં હવે રશિયન એરલાઇન્સ પોતાનું પ્લેન પાછું માંગી રહી છે અથવા કેનેડા સરકાર પાસે 100 મિલિયન ડોલર (આશરે 830 કરોડ રૂપિયા)ના વળતરની માંગ કરી રહી છે.
વિમાન કેનેડામાં કેવી રીતે ફસાયું?
વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાનોમાં ગણાતું આ Antonov An-124 વિમાન 27 ફેબ્રુઆરી, 2022ના રોજ ચીનથી કોવિડ-19 રેપિડ ટેસ્ટ કિટ્સની મોટી ખેપ લઈને કેનેડાના ટોરોન્ટો પહોંચ્યું હતું. બરાબર આ જ સમયે રશિયાએ યુક્રેન પર સૈન્ય હુમલો કરી દીધો. તેના જવાબમાં કેનેડાના તત્કાલીન ટ્રાન્સપોર્ટ મંત્રી ઓમર અલઘાબરાએ કટોકટીના પગલાં તરીકે કેનેડિયન હવાઈ ક્ષેત્રમાં રશિયન વિમાનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો.
NOTAMના કારણે ઉડાન અશક્ય
કેનેડા સરકારે 'Notice to Airmen' (NOTAM) અમલી બનાવ્યો હતો, જે હેઠળ કોઈપણ રશિયન માલિકી ધરાવતા કે રશિયા સાથે જોડાયેલા વાહનને કેનેડામાં ઉડાન ભરવાની મનાઈ છે. આ કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે આ વિમાન છેલ્લા 4 વર્ષથી ટોરોન્ટો એરપોર્ટ પર જ સ્થિર પડી રહ્યું છે.
