Riyadh Airport Missile Attack: સાઉદી અરેબિયાના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (King Khalid International Airport) પર શનિવારે થયેલા ભીષણ મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા અને 309 થી વધુ લોકો ઘાયલ થયા છે. સાઉદી અરેબિયાના સિવિલ એવિએશન ઓથોરિટી (CACA) દ્વારા ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે.
મૃતકોમાં વિદેશી નાગરિકો પણ સામેલ
CACA ના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાં 4 સાઉદી નાગરિકોનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના પીડિતોમાં 2 બાંગ્લાદેશી નાગરિકો અને અમેરિકા, ઈજિપ્ત, જોર્ડન, સીરિયા, પેલેસ્ટાઇન તથા સુદાનના 1-1 નાગરિક સામેલ છે. અકસ્માતમાં ઘવાયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે અને તેમની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
ઓથોરિટીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તમામ ઘાયલોને જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મૃતકોના આત્માની શાંતિ અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સાથે ઓથોરિટીએ ઉમેર્યું હતું કે હુમલાથી એરપોર્ટની સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું છે, જેનું હાલ આકલન કરવામાં આવી રહ્યું છે.
યમન યુદ્ધ અને હુમલા પાછળનું પૃષ્ઠભૂમિ
કિંગ ખાલિદ એરપોર્ટ પર છેલ્લા એક સપ્તાહમાં થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓ પૈકીનો એક હુમલો છે. સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને પાડોશી દેશ યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સામે મોટું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે, ત્યારથી આ એરપોર્ટ નિશાના પર છે. આ અગાઉ 6 અને 7 ઓક્ટોબરના રોજ પણ એરપોર્ટ પર હુમલા થયા હતા, જેમાં 3 લોકોના મોત થયા હતા. તાજેતરના હુમલામાં ત્રણ સાઉદી નાગરિકોના મોત પણ થયા હતા.
એરપોર્ટ કામગીરી સ્થગિત, ફ્લાઈટ ડાયવર્ઝન
આ હુમલા બાદ એરપોર્ટ પરની તમામ કામગીરી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી. મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘટનાસ્થળે ડઝનબંધ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, રિયાધ આવતી ફ્લાઈટ્સને અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવી રહી હતી.
ફ્લાઈટ મોનિટરિંગ વેબસાઇટ 'ફ્લાઇટઅવેર' (FlightAware) અનુસાર, રિયાધ એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં 225 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાયદુબઈ (Flydubai), લુફ્થાન્સા ગ્રુપ (Lufthansa Group) અને પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) સહિત અનેક વિમાન કંપનીઓએ સાઉદી અરેબિયા માટેની તેમની ઉડાન સેવા અસ્થાયી રૂપે મુલતવી રાખી છે. આ ઉપરાંત અમેરિકાએ પોતાના નાગરિકોને એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે.
એર ઇન્ડિયા અને એક્સપ્રેસની ફ્લાઇટ્સ રદ
PTI અહેવાલ મુજબ, સાઉદી અરેબિયામાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે રિયાધ આવતી-જતી ફ્લાઇટ રદ રાખવાનો સમયગાળો લંબાવ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ્સ 14 ઓક્ટોબર સુધી અને એર ઇન્ડિયાની ફ્લાઇટ 15 ઓક્ટોબર સુધી રદ રહેશે. અગાઉ બંને એરલાઇન્સે 10 ઓક્ટોબર સુધી ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી.
