France Protest,Paris violence:ફ્રાંસમાં મોંઘવારી, આર્થિક અસમાનતા અને સતત કથડી રહેલી જાહેર સેવાઓની સામે આશરે 4 લાખથી વધારે લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે. અનેક શહેરોમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ, લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો છે.
ગયા સપ્તાહે સર્જાયેલી હિંસક ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે સરકારે શનિવારે સુરક્ષાની કડક વ્યવસ્થા કરી હતી. તેમ છતાં દેશભરમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અને AFPની માહિતી પ્રમાણે ફ્રેંચ ઈન્ટીરિયર મિનિસ્ટ્રીએ દેશભરમાં આશરે 4.1 લાખ લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે,જ્યારે ટ્રેડ યુનિયનોની માહિતી પ્રમાણે આ આંકડો આશરે 8 લાખ સુધી પહોંચી ગયો છે.
પેરિસમાં આશરે 1.1 લાખ લોકો માર્ચમાં સામેલ થયા છે. દિવસભર શાંતિ પ્રદર્શન વચ્ચે આ ઝપાઝપી સર્જાઈ છે. પોલીસ અને વિરોધ પ્રદર્શનકર્તાઓના ગ્રુપને પાછળ ધકેલવા લાઠીઓ, ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લ્યોન, માર્સિલે, બોર્ડો, લિલે, નેનટેસ અને અન્ય શહેરોમં પણ ઝપાઝપી સર્જાઈ છે. તણાવની સ્થિતિ વધતા પોલીસે અનેક સ્થળો પર ટીયર ગેસ છોડ્યા છે. માર્સિલમાં વિરોધ પ્રદર્શનકર્તાઓએ મેટલ શીટ્સથી માર્ગોને બ્લોક કર્યાં છે. આગ લગાડી છે અને પોલીસ પર પથ્થર મારો કર્યો છે.
હિંસા અને તોડફોડનો સામનો કરવા માટે અધિકારીઓએ દેશભરમાં 70,000 પોલીસ કર્મચારીને ગોઠવ્યા છે, જે ગયા સપ્તાહના અંત કરતા 10,000 વધારે છે. ફ્રાન્સના ગૃહ પ્રધાન લોરેન્ટ નુનેઝે જણાવ્યું હતું કે શનિવાર બપોર સુધીમાં 135 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ફટાકડા, ધાતુના ગોળા અને શસ્ત્રો મળી આવ્યા હતા. પેરિસ લોકડાઉન જેવી પરિસ્થિતિમાં હોય તેવું લાગતું હતું, દુકાનદારોએ તેમની દુકાનોની બહાર બોર્ડ લગાવ્યા હતા, લુવ્ર અને મ્યુઝી ડી'ઓરસે જેવા મુખ્ય મ્યુઝીયમ બંધ કરવામાં આવ્યા હતા અને સાવચેતી તરીકે 20 થી વધુ મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યા હતા.
