PM Modi Netherlands Visit: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં નેધરલેન્ડ (Netherlands)ના મહત્વપૂર્ણ પ્રવાસે છે. શનિવાર, 16 મે 2026ના રોજ પીએમ મોદીએ ત્યાં વસતા ભારતીય સમુદાય (Indian Community)ના એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેના રાજદ્વારી સંબંધો સિવાય એક અનોખી કડી વિશે વાત કરી હતી, અને તે કડી છે સ્પોર્ટ્સ.
પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ક્રિકેટ અને હોકીના મેદાન પર બંને દેશો કેવી રીતે એકબીજાની નજીક આવી રહ્યા છે અને ઇન્ડો-ડચ સંબંધો મજબૂત થઈ રહ્યા છે.
T20 વર્લ્ડ કપ 2026 અને 3 ડચ ક્રિકેટર્સનો ઉલ્લેખ
પોતાના ભાષણમાં પીએમ મોદીએ તાજેતરમાં જ ભારતમાં રમાયેલા T20 વર્લ્ડ કપનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ડચ ક્રિકેટ ટીમની રમતની પ્રશંસા કરતા કહ્યું કે, નેધરલેન્ડની ટીમે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતીય ટીમને પણ જોરદાર ટક્કર આપી હતી.
પીએમ મોદીએ નેધરલેન્ડની ટીમ તરફથી રમતા ત્રણ ભારતીય મૂળના ખેલાડીઓનો વિશેષ ઉલ્લેખ કરીને ભારતીય સમુદાયના દિલ જીતી લીધા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું- જ્યારે આપણે તેજા નિદામાનુરુ (Teja Nidamanuru) અને વિક્રમજીત સિંહ (Vikramjit Singh)ને નેધરલેન્ડની જર્સીમાં રમત રમતા જોઈએ છીએ, અથવા જ્યારે આર્યન દત્ત (Aryan Dutt) જેવા યુવા ખેલાડીઓ ડચ ક્રિકેટના ભવિષ્યમાં પોતાનું યોગદાન આપે છે, ત્યારે આપણને સૌને ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે.
તેમણે ઉમેર્યું કે નેધરલેન્ડમાં ક્રિકેટના વિકાસ પાછળ ભારતીય ડાયસ્પોરા (Indian Diaspora)નો બહુ મોટો હાથ છે.
ભારતીય હોકી અને ડચ કનેક્શન
પીએમ મોદીએ માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ ભારતની રાષ્ટ્રીય રમત હોકીમાં નેધરલેન્ડના યોગદાનને પણ બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે જેમ ક્રિકેટમાં ભારતીયો ડચ ટીમને મદદ કરી રહ્યા છે, તેમ ભારતીય હોકીને નિખારવામાં નેધરલેન્ડના કોચેસ (Dutch Coaches)ની મહેનત સરાહનીય રહી છે.
ખાસ કરીને ભારતીય મહિલા હોકી ટીમની સફળતાનો શ્રેય આપતા તેમણે પૂર્વ ડચ કોચ મરીઝને (Sjoerd Marijne) ના મહત્વના રોલની પ્રશંસા કરી હતી.
હોકી વર્લ્ડ કપ માટે ભારતીયોને અપીલ
આ વર્ષે નેધરલેન્ડ હોકી વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું હોવાથી, પીએમ મોદીએ ત્યાં રહેતા તમામ ભારતીયોને સ્ટેડિયમમાં જઈને ભારતની મેચ જોવા અને ટીમનો ઉત્સાહ વધારવાની ખાસ અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે- વર્લ્ડ કપ ગમે તે દેશ જીતે, પણ એક વાત ચોક્કસ છે કે આ ટૂર્નામેન્ટમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચેની દોસ્તીની ચોક્કસ જીત થશે. વડાપ્રધાનના આ ખેલ-રાજદ્વારી (Sports Diplomacy) ના અભિગમે નેધરલેન્ડમાં વસતા પ્રવાસી ભારતીયોમાં એક નવો જ જોશ ભરી દીધો છે.
