Philippines Ferry Fire Accident: ફિલીપીન્સના પ્રખ્યાત પલાવાન પ્રાંત પાસે બુધવારે સાંજે 'એમ/વી જૂન એસ્ટર' (M/V June Ester) નામની ફેરી બોટમાં ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 87 લોકો હજુ પણ લાપતા છે.
આ કરૂણ અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર, પલાવાન પ્રાંતના મુખ્ય પર્યટન સ્થળ નજીક તટથી આશરે 2.2 કિલોમીટર દૂર બન્યો હતો. પલાવાન પ્રાંતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં એલ નિડો (El Nido) અને પુએર્ટોપ્રિન્સેસા સબટેરેનિયન રિવર (Puerto Princesa Subterranean River) નો સમાવેશ થાય છે.
કોસ્ટ ગાર્ડ કેપ્ટન નોએમી કાયાબ્યાબના જણાવ્યા અનુસાર, જહાજના મેનિફેસ્ટ પ્રમાણે ફેરી બોટમાં કુલ 134 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા]. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 38 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો મળીને કુલ 42 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય 87 લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
દરિયાકાંઠે અત્યાર સુધીમાં 5 મૃતદેહ લાવવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં આખું જહાજ ભીષણ આગની જ્વાળાઓમાં ઘેરાયેલું નજરે પડી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ લાપતા લોકોનો આ આંકડો લાઈવ ડેટા પર આધારિત છે અને બચાવ અભિયાનની પ્રગતિ સાથે તેમાં ફેરફાર થઈ શકે છે.
