આઠ-આઠ વર્ષની બે કે ચાર-ચાર વર્ષની ચાર...બાળ લગ્ન અંગે પાકિસ્તાની મૌલાના મુફ્તી તારિક મસૂદના નિવેદનથી ભારે વિવાદ

પાકિસ્તાની વિવાદિત મૌલાના મુફ્તી તારિક મસૂદનો બાળ લગ્ન અંગેનો એક વિડીયો વાયરલ થયો છે. 16 વર્ષની નવવધૂ ન મળે તો 4 કે 8 વર્ષની બાળકીઓ લાવવાની વિવાદિત ટિપ્પણી પર લોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 12 Nov 2026 01:39 AM (IST)Updated: Thu, 12 Nov 2026 01:39 AM (IST)
pakistani-maulana-tariq-masood-makes-a-shameful-joke-about-child-marriage-sparks-massive-public-outrage

Mufti Tariq Masood Controversial Statement: પાકિસ્તાનના જાણીતા અને પ્રભાવશાળી દેવબંધી ઈસ્લામિક ઉપદેશક મુફ્તી તારિક મસૂદ એકવાર ફરી પોતાના વિવાદિત નિવેદનને કારણે ભારે વિવાદોમાં ઘેરાયા છે. બાળ લગ્નનો બચાવ કરવા અને સગીરાઓ અંગે આપેલા શરમજનક નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. 'ડેલી મિરર શ્રીલંકા'ના એક અહેવાલમાં મસૂદના આ વિવાદિત ઉપદેશો અને વાયરલ ટિપ્પણીઓનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વાયરલ વિડિયો પર ભડક્યો જનઆક્રોશ

વાયરલ થઈ રહેલા એક વિડિયોમાં મુફ્તી તારિક મસૂદ બાળ લગ્ન અને દુલ્હનની ઉંમર અંગે વાત કરતા જોવા મળે છે. વિડિયોમાં તેઓ મજાકના સૂર સાથે કહે છે કે- જો કોઈને લગ્ન માટે 16 વર્ષની દુલ્હન ન મળતી હોય, તો તેઓ આઠ-આઠ વર્ષની બે છોકરીઓ અથવા ચાર-ચાર વર્ષની ચાર છોકરીઓ ઉપલબ્ધ કરાવી શકે છે.

આ ટિપ્પણી સામે આવતા જ નેટીઝન્સ અને માનવાધિકાર કાર્યકરોએ ભારે ફિટકાર વરસાવી છે. લોકોનું કહેવું છે કે મૌલાનાએ બાળ લગ્ન જેવા અતિ ગંભીર અને સંવેદનશીલ મુદ્દાને અત્યંત હળવાશથી લીધો છે. એટલું જ નહીં, આ પ્રકારની ટિપ્પણીઓ દ્વારા સગીર વયની બાળકીઓના શારીરિક શોષણ અને સગીરાઓના જાતીયકરણ (sexualization)ને સામાન્ય ગણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સમર્થકોનો બચાવ

બીજી તરફ, મૌલાના તારિક મસૂદના સમર્થકો આ વિવાદને માત્ર એક 'ભૂલ ભરેલી સમજ' ગણાવીને વિવાદ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમર્થકોનો દાવો છે કે મૌલાનાનો હેતુ કોઈનું અપમાન કરવાનો નહોતો, તે માત્ર એક હળવો મજાક હતો જેને વિડિયોમાં કાપીને સંદર્ભ વગર (out of context) વાયરલ કરવામાં આવ્યો છે. જોકે, આ સામાન્ય સ્પષ્ટતા છતાં લોકોનો ગુસ્સો શાંત થયો નથી.

લગ્નની કાનૂની વય મર્યાદાનો સતત વિરોધ

અહેવાલ મુજબ, આ પહેલી વાર નથી જ્યારે તારિક મસૂદે આવું નિવેદન આપ્યું હોય. તેઓ પાકિસ્તાનમાં લગ્ન માટે કાનૂની ન્યૂનતમ ઉંમર નક્કી કરતા કાયદાઓનો અગાઉ પણ વારંવાર વિરોધ કરી ચૂક્યા છે. તેમનો તર્ક છે કે ઈસ્લામિક કાયદામાં લગ્ન માટે 18 વર્ષની કોઈ ચોક્કસ વય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

મસૂદનું માનવું છે કે દીકરીના લગ્ન ક્યારે કરવા તે નક્કી કરવાનો સંપૂર્ણ અને આખરી અધિકાર માત્ર તેના માતા-પિતા કે વાલીઓ (અધિભાવકો) પાસે જ હોવો જોઈએ, તેમાં સરકાર કે કાયદાએ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.

ઉંમર નહીં, શારીરિક પરિપક્વતા જુઓ: મૌલાનાનો તર્ક

પોતાના ઉપદેશોમાં મસૂદ અવારનવાર એ વાત પર ભાર મૂકતા આવ્યા છે કે છોકરીના લગ્ન કરતી વખતે તેની ઉંમર જોવાને બદલે તેનો શારીરિક વિકાસ અને શારીરિક પરિપક્વતા જોવી જોઈએ. ભૂતકાળમાં પણ તેમણે વૈવાહિક સંબંધો અને શારીરિક અનુકૂળતાના સંદર્ભમાં 9 અને 10 વર્ષની નાની બાળકીઓ વિશે વિવાદિત ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે ભારે વિરોધ થયો હતો.

પાકિસ્તાનમાં બાળ શોષણની ગંભીર સ્થિતિ અને ચિંતા

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પહેલેથી જ બાળકોના જાતીય શોષણ, બળજબરીથી કરાવવામાં આવતા લગ્નો (forced marriages) અને મહિલા અધિકારો જેવા ગંભીર દૂષણો સામે ઝૂઝી રહ્યું છે. આવા સંવેદનશીલ વાતાવરણમાં, સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી કે લોકપ્રિય ધાર્મિક હસ્તીઓ દ્વારા જ્યારે આવી ટિપ્પણીઓ કરવામાં આવે છે, ત્યારે તે સમાજ માટે અત્યંત ચિંતાજનક અને ઘાતક સાબિત થાય છે.