SCO Culture Ministers Meeting: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનનાં સંબંધમાં ભારે કડવાસ આવી હતી અને ભારતે ઓપરેશન સિંદૂર શરુ કરી વળતો પ્રહાર પણ કર્યો હતો. જોકે, હવે ભારત અને પાકિસ્તાન એક મંચ પર આવી શકે છે. તાજેતરમાં પાકિસ્તાનના મંત્રી સભ્યતા સંવાદ મંચમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, સભ્યતા સંવાદ મંચ (Civilizational Dialogue Forum) એ શાંઘાઈ સહકાર સંગઠન (SCO) હેઠળ યોજાયેલ પ્રથમ સાંસ્કૃતિક અને વૈચારિક સંવાદ મંચ છે, જેનું ઉદ્ઘાટન 20 નવેમ્બર 2026ના રોજ નવી દિલ્હીના પુરાણા કિલ્લા ખાતે પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. હવે પાકિસ્તાનમાં યોજાનાર સંસ્કૃતિ મંત્રીઓની બેઠકમાં ભારતને આમંત્રણ આપી શકે છે.
પાકિસ્તાન ભારતને આપી શકે છે આમંત્રણ
ભારત આવેલા પાકિસ્તાનના મંત્રી મલિકની યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. કારણ કે, તેમણે કોઈ સંવેદનશીલ મુદ્દે નિવેદન આપ્યું ન હોતું અને ફક્ત કાર્યક્રમને અનુરુપ જ પ્રતિક્રિયા આપી હતી. જે બાદ હવે એવી વાત સામે આવી છે કે પાકિસ્તાન ભારતને એસસીઓ સંસ્કૃતિ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપી શકે છે.
ઓગસ્ટમાં SCO શિખર સંમેલનની યજમાની કરશે પાકિસ્તાન
સંસ્કૃતિ મંત્રીઓની બેઠક પછી પાકિસ્તાન SCO ના વિદેશ અને રક્ષા મંત્રીઓની ઉચ્ચસ્તરીય બેઠકોની પણ યજમાની કરશે.ત્યાર બાદ પાકિસ્તાન આવતા વર્ષે ઓગસ્ટના અંતમાં ઈસ્લામાબાદમાં એસસીઓ (SCO) રાષ્ટ્રાધ્યક્ષ પરિષદની યજમાની પણ પાકિસ્તાન કરી રહ્યું છે. જેમાં સામાન્ય રીતે પ્રધાનમંત્રી ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. નોંધનિય કે પહેલગામ હુમલા બાદ કોઈ પણ ભારતીય મંત્રીએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. હવે એ જોવાનું રહેશે કે પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં ભારત હાજરી આપી છે કે નહીં.
ભારતના વિદેશમંત્રી લઈ શકે છે ભાગ
ભારત અને પાકિસ્તાનના સંબંધોને જોતા આ સંમેલનમાં પ્રધાનમંત્રી ભાગ લે તેવી શક્યતા ઓછી છે. તેથી તેમના વિકલ્પ તરીકે વિદેશમંત્રી એસ જયશંકર ભાગ લઈ શકે છે. જેનાથી આ સંગઠન પ્રત્યે ભારતનું કમિટમેન્ટ પણ યથાવત રહેશે અને પાકિસ્તાન સામેની ભારતની હાલની નિતિ પણ પર પણ કોઈ અસર નહીં થાય. એવી પણ વાત હતી કે પાકિસ્તાન આ સંમેલન 14 ઓગસ્ટના રોજ આયોજીત કરવાનું હતું પરંતુ આ દિવસે તો ભારત કોઈ પણ સંજોગે ભાગ ન લે.
