Bilawal Bhutto Zardari: ભારત વિરુદ્ધ હંમેશા ઝેર ઓકનારા પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ભારત આવશે

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Thu, 20 Apr 2023 02:41 PM (IST)Updated: Thu, 20 Apr 2023 02:42 PM (IST)
pakistan-foreign-minister-bilawal-bhutto-zardari-to-visit-india-in-may-first-since-nawaz-sharif-in-2014-latest-news-updates-in-gujarati

Bilawal Bhutto To Attend SCO Foreign Ministers: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીર મુદ્દે હંમેશા ભારત વિરોધી નિવેદનો આપનારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારત આવશે. પાકિસ્તાનના વિદેશ વિભાગ તરફથી ગુરુવારે આ બાબતની જાણકારી આપવામાં આવી કે તેઓ ગોવામાં થનારા શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગનાઈઝેશન દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજર રહેશે. 4-5 મેના રોજ ગોવાની રાજધાની પણજીમાં SCO સંમેલન યોજાવાનું છે. આ અગાઉ 2016માં ભારતે ગોવામાં SCO સંમેલનની યજમાની કરી હતી.

SCOની મહત્વની બેઠક
માર્ચમાં પાકિસ્તાન તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે હજુ સુધી ભુટ્ટોના ભારત પ્રવાસ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભુટ્ટો SCO મિટિંગમાં આવશે કે નહીં તે બાબતે છેલ્લા ઘણા દિવસોથી અટકળો ફરતી હતી. ગુરુવારે પાકિસ્તાની વિદેશ વિભાગની પ્રવક્તાએ બિલાવલના ભારત આવવા અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું હતું.

2014 પછી પહેલીવાર કોઈ મોટા નેતા આવશે
વર્ષ 2014 પછી પ્રથમવાર બનશે કે પાકિસ્તાનનો કોઈ મોટો નેતા ભારત આવશે. જ્યારે PM નરેન્દ્ર મોદીની સત્તા આવી ત્યારે પાકિસ્તાનના તત્કાલીન PM નવાઝ શરીફને શપથ ગ્રહણ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યાં હતા. બિલાવલ બીજી વખત ભારત આવશે. વર્ષ 2012માં તેઓ પોતાના પિતા અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ આસિફ અલી સાથે ભારત આવ્યાં હતાં. બંનેએ અજમેર જઈને ચાદર પણ ચઢાવી હતી. તેમણે તે વખતે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિ ઈચ્છે છે.