Khawaja Asif: નેતન્યાહુની ધમકી બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ઈઝરાયેલ વિરોધી પોસ્ટ ડિલીટ કરી

ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ઈઝરાયેલને માનવતા માટે અભિશાપ અને કેન્સર જેવો દેશ ગણાવ્યો હતો.

By: Jagran GujaratiPublish Date: Fri, 10 Apr 2026 12:01 PM (IST)Updated: Fri, 10 Apr 2026 12:02 PM (IST)
pakistan-defence-minister-khawaja-asif-deletes-his-x-post-on-israel-after-benjamin-netanyahus-warning

Khawaja Asif Statement On Israel: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં આવ્યા છે. ઈઝરાયેલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અત્યંત તીખી અને વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ, ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની કડક પ્રતિક્રિયા અને વૈશ્વિક દબાણને કારણે તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી છે.

શું હતો સમગ્ર વિવાદ?

ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ઈઝરાયેલને "માનવતા માટે અભિશાપ" અને "કેન્સર જેવો દેશ" ગણાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈઝરાયેલ લેબનાનમાં "નરસંહાર" કરી રહ્યું છે અને નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યું છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "પહેલા ગાઝા, પછી ઈરાન અને હવે લેબનાન- કોઈ પણ રોકટોક વગર રક્તપાત ચાલુ છે." આટલું જ નહીં, તેમણે એવી પ્રાર્થના પણ કરી કે જે લોકોએ પેલેસ્ટાઈનની જમીન પર આ દેશ બનાવ્યો છે તેઓ નર્કમાં બળે.

ઈઝરાયેલની કડક પ્રતિક્રિયા

આ ટિપ્પણીઓ બાદ ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે તેને "અત્યંત વાંધાજનક" ગણાવી હતી. નેતન્યાહુના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "આવું નિવેદન કોઈ પણ સરકાર તરફથી સ્વીકારી શકાય નહીં, ખાસ કરીને એવા દેશ પાસેથી જે પોતાને શાંતિ માટે નિષ્ક્ષ મધ્યસ્થ ગણાવે છે." ઈઝરાયેલના વિદેશ મંત્રી ગિદન સારએ પણ આને ખુલ્લેઆમ "યહૂદી-વિરોધી" નિવેદન ગણાવીને તેની આકરી ટીકા કરી હતી.

શાંતિ વાટાઘાટો અને પાકિસ્તાનની બેવડી ભૂમિકા

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટેની શાંતિ વાટાઘાટોની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકી ડેમોક્રેટ જોશ ગોટહાઈમરે આ નિવેદનની નિંદા કરતા કહ્યું કે, "એક તરફ પાકિસ્તાન વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યું છે અને બીજી તરફ તેમના રક્ષા મંત્રી નફરત ફેલાવી રહ્યા છે, જે આ નાજુક સમયે કૂટનીતિ માટે જરાય યોગ્ય નથી."

બેઠક પહેલા તણાવ વધ્યો

ઈસ્લામાબાદમાં યોજાનારી આ બેઠકના 24 કલાક પહેલા જ સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. વોશિંગ્ટને તેહરાન પર આરોપ લગાવ્યો છે કે તે હોર્મુઝના રસ્તે ઓઈલની અવરજવરના વાદા પૂરા નથી કરી રહ્યું. સામાન્ય રીતે આ માર્ગ પરથી દરરોજ 140 જહાજો પસાર થાય છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં માત્ર 1 ઓઈલ ટેન્કર અને 5 માલવાહક જહાજો જ પસાર થયા છે.

કૂટનીતિક નિષ્ણાતો આ ઘટનાને પાકિસ્તાનના 'સરન્ડર' તરીકે જોઈ રહ્યા છે, કારણ કે ઈઝરાયેલની એક ધમકી બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રીએ પીછેહઠ કરીને પોતાની પોસ્ટ હટાવી લેવી પડી છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની તટસ્થ મધ્યસ્થ તરીકેની છબીને નુકસાન પહોંચાડ્યું છે.