પાકિસ્તાનમાં અસીમ મુનીર બન્યા સૌથી શક્તિશાળી સૈન્ય વડા, જો કે ન્યુક્લિયર કંટ્રોલ સુધીનો હાથ ટૂંકો પડ્યો

પાકિસ્તાનમાં એક નવો સંરક્ષણ કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત, અસીમ મુનીરને સૈનિકોને સેવામાંથી છૂટા કરવાની અને તેમને જાળવી રાખવાની સત્તા આપવામાં આવી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 21 Aug 2026 06:02 PM (IST)Updated: Fri, 21 Aug 2026 06:02 PM (IST)
pakistan-asim-munir-gains-unprecedented-military-powers

Pakistan News: પાકિસ્તાનની સંસદે એક નવો અને ઐતિહાસિક કાયદો પસાર કરીને દેશના સૈન્ય વડા ફીલ્ડ માર્શલ અસીમ મુનીરની સત્તાઓમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. સંસદના બંને ગૃહો દ્વારા ડિફેન્સ ઓર્સિસ ઓફ પાકિસ્તાન એક્ટ 2026ને મંજૂરી આપવામાં આવી છે. આ નવા કાયદા હેઠળ અસીમ મુનીરને કાનૂની રીતે પાકિસ્તાનની ત્રણેય સેનાઓ (થલસેના, નૌસેના અને વાયુસેના) ના સર્વોચ્ચ વડા બનાવવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર લશ્કર પર તેમનો કમાન્ડ અને કંટ્રોલ અત્યંત મજબૂત બનશે.

ત્રણેય સેનાઓ માટે બન્યું નવું સિંગલ હેડક્વાર્ટર

આ નવા કાયદા હેઠળ પાકિસ્તાની સશસ્ત્ર દળોના હેડક્વાર્ટરને હવે ડિફેન્સ ફોર્સિસ હેડક્વાર્ટ્ તરીકે ઓળખવામાં આવશે. આ ખાસ મુખ્યાલયમાં ત્રણેય સેનાઓના પ્રમુખ તરીકે ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ (CDF) ફીલ્ડ માર્શલ અસીમ મુનીર બિરાજશે. ઉલ્લેખનીય છે કે, ભારત સાથે 4 દિવસ સુધી ચાલેલા યુદ્ધ બાદ સંકલિત ત્રિ-સેવા કામગીરી અને મલ્ટી-ડોમેન વોરફેર વચ્ચે સુમેળ સાધવા માટે આ નવું હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું છે. આ કાયદાને પૂર્વવર્તી અસરે 13 નવેમ્બર 2025 થી લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે અસીમ મુનીરને સત્તાવાર રીતે 4 ડિસેમ્બર 2025ના રોજ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ બનાવવામાં આવ્યા હતા.

કોઈપણ સમયે સંયુક્ત સૈન્ય અભિયાન શરૂ કરવાની છૂટ

નવા પસાર થયેલા કાયદા દ્વારા ફીલ્ડ માર્શલ અસીમ મુનીરને અસીમિત સત્તાઓ પ્રાપ્ત થઈ છે. તેઓ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ તરીકે ત્રણેય સેનાઓ વચ્ચે પરસ્પર તાલમેલ સાધવા ઉપરાંત પોતાની મરજીથી ગમે ત્યારે સંયુક્ત સૈન્ય અભિયાન શરૂ કરાવી શકે છે. થલસેના, વાયુસેના અને નૌસેનાએ સીએડીએફના આ આદેશોનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી તમામ મહત્વની બાબતોમાં સીધો હસ્તક્ષેપ કરવાનો અધિકાર પણ તેમની પાસે રહેશે.

ભરતી, બરતરફી અને એક્સટેન્શન પર એકહથ્થુ નિયંત્રણ

મુનીર પાસે હવે કોઈપણ સૈન્ય અધિકારીને નોકરીમાંથી નિવૃત્ત કરવા, સેવામાંથી મુક્ત કે બરતરફ કરવા, રાજીનામું સ્વીકારવા કે નકારવા તેમજ નિવૃત્તિ પછી પણ સેવાનો સમયગાળો લંબાવવાનો સંપૂર્ણ અને એકહથ્થુ અધિકાર રહેશે. આ કાયદા હેઠળ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસને દેશના વડાપ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ અને ત્રણેય સેનાઓ સાથે જોડાયેલી બાબતો પર મુખ્ય સૈન્ય સલાહકાર બનાવવામાં આવ્યા છે. જો આ કાયદાને લાગુ કરવામાં કોઈ જૂના સૈન્ય કાયદા (જેમ કે પાકિસ્તાન આર્મી એક્ટ 1952, પાકિસ્તાન એરફોર્સ એક્ટ 1953 કે પાકિસ્તાન નેવી ઓર્ડિનન્સ 1967) સાથે વિરોધાભાસ થશે, તો આ નવા કાયદાની જોગવાઈઓ જ સર્વોપરી ગણાશે.

બધી સત્તાઓ મળી, પણ પરમાણુ બોમ્બથી રાખવામાં આવ્યા દૂર

નવા કાયદા મુજબ, જો આ જોગવાઈઓ લાગુ કરવામાં કોઈ કાનૂની અડચણ ઊભી થાય તો રાષ્ટ્રપતિ વિશેષ આદેશ જાહેર કરીને તે સમસ્યાને દૂર કરી શકે છે. જો કે, પાકિસ્તાન સેનામાં આટલી બધી સત્તાઓ અને સર્વોચ્ચ સ્થાન મળ્યા છતાં અસીમ મુનીરનો હાથ પાકિસ્તાનના પરમાણુ બોમ્બના બટન (ન્યુક્લિયર કંટ્રોલ) સુધી પહોંચી શક્યો નથી. પરમાણુ શસ્ત્રો અને તેની સક્રિયતા પરનો અંતિમ અંકુશ હજુ પણ લશ્કરી વડા પાસે સીધો સોંપવામાં આવ્યો નથી.