અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સેનાની એરસ્ટ્રાઈક: કૂનાર પ્રાંતમાં એક જ પરિવારના 3 લોકોના મોત, ચાર ઈજાગ્રસ્ત

પાકિસ્તાન સેનાએ કરેલા હુમલાથી આશરે ત્રણ મહિનાની શાંતિ બાદ બંને દેશો વચ્ચે તણાવ ભડક્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 21 Sep 2026 11:32 AM (IST)Updated: Mon, 21 Sep 2026 11:32 AM (IST)
pakistan-airstrike-on-afghanistan-september-21-three-killed-several-injured-in-kunar
Pakistan Airstrike on Afghanistan Symbolic Image

Pakistan Airstrike on Afghanistan: અફઘાનિસ્તાનના કૂનાર પ્રાંતમાં આજે સોમવારના રોજ પાકિસ્તાની સેવાએ કરેલા હવાઈ હુમલામાં (એરસ્ટ્રાઈક) ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા અને અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અફઘાન અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરાયેલા આ હુમલાએ આશરે ત્રણ મહિનાની શાંતિ બાદ બંને દેશો વચ્ચે ફરી તણાવ ભડકાવ્યો છે.

એક જ પરિવારના 3 સભ્યોના મોત, 4 ઘાયલ

તાલિબાનના ઉપ પ્રવક્તા હમદુલ્લા ફિત્રતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, પાકિસ્તાની સેનાએ કરેલા હવાઈ હુમલામાં કૂનાર પ્રાંતમાં એક ઘરને નિશાન બનાવવામાં આવ્યું, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ ઉપરાંત, પક્તિકા પ્રાંતના બરમાલ જિલ્લામાં પણ બે સ્થળોએ પાકિસ્તાન સેના દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેનાથી એક દુકાન અને એક ખાલી ઘર નષ્ટ થઈ ગયું હતું. જોકે, પક્તિકામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ મામલે પાકિસ્તાની સેના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

પોલીસ ચોકી પર હુમલા બાદ કરાઈ કાર્યવાહી

આ હવાઈ હુમલા ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક પોલીસ કેન્દ્ર પર થયેલા મોટા હુમલાના થોડા દિવસો બાદ કરવામાં આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા. બંને દેશો વચ્ચે વિવાદનું મુખ્ય કારણ પાકિસ્તાનમાં વધતોચરમપંથ છે. ઈસ્લામાબાદનો આરોપ છે કે કાબુલ તે ચરમપંથીઓને આશરો આપે છે જે અફઘાન સરહદથીપાકિસ્તાનમાં ઘૂસણખોરી કરીનેહુમલા કરે છે. બીજી તરફ, અફઘાનિસ્તાનનીતાલિબાન સરકાર આ આરોપોને ફગાવતા જણાવે છે કે ચરમપંથ એ પાકિસ્તાનની પોતાની આંતરિક સમસ્યા છે.

અગાઉ પણ થયા છે સામસામે ભીષણ હુમલા

બંને દેશો વચ્ચે આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ સંબંધો ખૂબ તણાવપૂર્ણ બન્યા છે, જ્યારે બંને વચ્ચે ગત કેટલાક વર્ષોમાં સૌથી ભીષણ અથડામણ થઈ હતી. જુલાઈમાં અફઘાનિસ્તાને પાકિસ્તાન પર ડ્રોન હુમલા કર્યા, જેને હવામાં જ પાડી દેવાનો દાવો ઈસ્લામાબાદે કર્યો હતો.

આ વર્ષની સૌથી ગંભીર ઘટના માર્ચ મહિનામાં બની હતી, જ્યારે કાબુલ પર પાકિસ્તાનના હવાઈ હુમલામાં 400 થી વધુ લોકો માર્યા ગયા હતા. અફઘાન તાલીબાને દાવો કર્યો હતો કે તે હુમલામાં નશા મુક્તિ કેન્દ્રને નિશાન બનાવાયું હતું, જ્યારે ઈસ્લામાબાદે આ આરોપનું ખંડન કરી માત્ર સૈન્ય અને આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સચોટ હુમલો કર્યાનો દાવો કર્યો હતો.

લંડન સ્થિત ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IISS) ના આંકડા અનુસાર, પાકિસ્તાન પાસે 422 લડાકુ વિમાન અને 260 થી વધુ હેલિકોપ્ટર ધરાવતી એક વિશાળ અને મજબૂત વાયુસેના છે.

તેની સામે અફઘાનિસ્તાન પાસે એક પણ લડાકુ વિમાન નથી, પરંતુ તેની પાસે ઓછામાં ઓછા 6 વિમાન, 23 હેલિકોપ્ટર અને કેટલાક ડ્રોન હોવાનું માનવામાં આવે છે, જેનો ઉપયોગ તેણે અગાઉના સંઘર્ષમાં કર્યો છે. તાજેતરના આ હુમલાથી બંને દેશો વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થવાનું જોખમ વધી ગયું છે.