Japan Earthquake News: ઉત્તર જાપાનમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ટોક્યો સુધી અનુભવાયો આંચકો

જાપાનના ઉત્તરીય કિનારે 6.9 ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો નોંધાયો. જોકે, આ ભૂકંપથી સુનામીનો કોઈ જ ખતરો ન હોવાની હવામાન એજન્સીએ સ્પષ્ટતા કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 25 Jun 2026 08:22 AM (IST)Updated: Thu, 25 Jun 2026 08:22 AM (IST)
northern-japan-coast-earthquake-6-9-magnitude-strikes-no-tsunami-warning

Northern Japan Earthquake News: જાપાનના ઉત્તરીય કિનારે ગુરુવારે સવારે 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આચંકો નોંધાયો હતો. જેના કારણે કેટલાક મકાન અને દુકાનોમાં સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. ભૂંકપના પગલે નગારિકોમાં થોડીવાર ભયનો માહોલ ફેલાયો હતો. પરંતુ દેશની હવામાન એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે આ ભૂકંપથી સુનામીનો કોઈ જ ખતરો નથી.

ભૂકંપની તીવ્રતા અને કેન્દ્રબિંદુ

જાપાનની હવામાન એજન્સી (JMA) અને અમેરિકન જીયોલોજીકલ સર્વે (USGS) બંનેના અહેવાલો અનુસાર, આ ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 6.9 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર ઈવાતેના પૂર્વ કિનારે અંદાજે 50 કિમી એટલે કે 30 માઈલની ઊંડાઈએ નોંધાયું હતું. સેન્ડાઈ અને મોરિઓકા જેવા પ્રભાવિત શહેરોમાં લોકો રાબેતા મુજબ હતા. ક્યાંય મોટું નુકસાન દેખાતું નહોતું.

રાહત કામગીરી, જાનહાનિ શૂન્ય

ગુરુવારે સવારના પીક ટાઈમ દરમિયાન ઉત્તરપૂર્વ પ્રદેશમાં આવેલા આ ભૂકંપના હળવા આંચકા રાજધાની ટોક્યો સુધી અનુભવાયા હતા. જાપાનના ઉચ્ચ સરકારી પ્રવક્તા મિનોરુ કિહારાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાનના તાત્કાલિક અહેવાલ મળ્યા નથી.

જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઇચીએ ટોક્યોમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, સરકારની ઇમરજન્સી ટીમ માહિતીનું આકલન કરીને લોકોના જીવને પ્રથમ પ્રાથમિકતા આપી રહી છે. જો જરૂર પડે તો રાહત કામગીરી માટે સંપૂર્ણપણે તૈયાર છે. પ્રભાવિત વિસ્તારના રહેવાસીઓને સંભવિત આફ્ટર શોક માટે સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે.

સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી કરી

આઓમોરી પ્રીફેક્ચરના હાશિકામી શહેરના એક પ્રાથમિક શાળાના આચાર્ય ટોમોકો નાગાને જાપાનના NHK ટેલિવિઝનને જણાવ્યું કે, ભૂકંપ આવ્યો ત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને વાહનમાં મધ્યમ આંચકા અનુભવ્યા હતા. જોકે, શાળામાં ભેગા થયેલા તમામ બાળકો સુરક્ષિત હતા, પરંતુ કેટલાક બાળકો ડરના કારણે રડી રહ્યા હતા. સાવચેતીના ભાગરૂપે દિવસના વર્ગો રદ કરવામાં આવ્યા હતા અને બાળકોને સુરક્ષિત ઘરે મોકલી દેવાયા હતા.

સુરક્ષાની ચકાસણી કરવા માટે પૂર્વોત્તર વિસ્તારોમાં સંચાલન કરતી ઈસ્ટ જાપાન રેલવે કંપનીએ કેટલીક બુલેટ ટ્રેનો અને અન્ય લોકલ લાઈન અટકાવી દીધી હતી. રાહતની વાત એ છે કે, ફુકુશીમા ડાઈચી ન્યુક્લિયર પ્લાન્ટ અને આઓમોરીમાં આવેલા સ્પેન્ટ ફ્યુઅલ રિપ્રોસેસિંગ પ્લાન્ટ સહિતની તમામ પરમાણુ સુવિધાઓ સંપૂર્ણ સુરક્ષિત છે. ત્યાં કોઈપણ અસાધારણ ગતિવિધિ નોંધાઈ નથી.

શા માટે વારંવાર નોંધાયા છે ભૂકંપ? 

નોંધનીય છે કે, જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાંથી એક છે. કારણ કે, તે પેસિફિક 'રિંગ ઓફ ફાયર' તરીકે ઓળખાતા ભૌગોલિક માળખા પર સ્થિત છે. છેલ્લા કેટલાક મહિનામાં આ જ વિસ્તારમાં વારંવાર ભૂકંપ નોંધાયા છે. ડિસેમ્બરમાં આવેલા એક આંચકા બાદ અઠવાડિયા લાંબી 'Mega-quake' ચેતવણી પણ જારી કરવામાં આવી હતી.