Nepal Helicopter Crash: નેપાળના સોલુખુમ્બુ જિલ્લામાં માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્ર નજીક આવેલા ફેરીચે (Pheriche) હેલિપેડ પર મંગળવારે સવારે એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ છે. સવારે આશરે 8:11 વાગ્યે લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન બે ખાનગી હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક ભારતીય નાગરિકનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક મુસાફર અને બંને હેલિકોપ્ટરના પાઇલટ્સ ઈજાગ્રસ્ત થયા છે.
લેન્ડિંગ વખતે સર્જાયો અકસ્માત
પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, 'ફિશટેલ એર' (Fishtail Air) અને 'એર ડાયનેસ્ટી' (Air Dynasty) ના બે હેલિકોપ્ટર એકસાથે ફેરીચે હેલિપેડ પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક એકબીજા સાથે આમને-સામને અથડાયા હતા.
નેપાળ પોલીસના ઇન્સ્પેક્ટર મૌસમ તામાંગે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા શ્રદ્ધાળુ/મુસાફરની ઓળખ વસંત કુમાર બલારામરામાડુ તરીકે થઈ છે, જેઓ ભારતીય નાગરિક હતા અને 'ફિશટેલ એર'ના હેલિકોપ્ટરમાં સવાર હતા.
રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
આ ભયાનક ટક્કરમાં 'ફિશટેલ એર'માં સવાર ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના નાગરિક શૈલેષ કૃષ્ણ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક 'પ્રભુ હેલિકોપ્ટર' મારફતે કાઠમંડુની મેડિસિટી હોસ્પિટલમાં સારવાર અર્થે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
દુર્ઘટના સમયે 'ફિશટેલ એર'નું હેલિકોપ્ટર કેપ્ટન પ્રજ્વલ કેસી ઉડાવી રહ્યા હતા, જ્યારે 'એર ડાયનેસ્ટી'નું હેલિકોપ્ટર કેપ્ટન રવિન્દ્ર પ્રજાપતિના નિયંત્રણ હેઠળ હતું. આ બંને પાઇલટ્સને પણ ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે કાઠમંડુ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ 'સિમરિક એર'નું હેલિકોપ્ટર સ્થળ પર પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત સમયે બંને હેલિકોપ્ટરમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા તેની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. હાલ નેપાળી સુરક્ષા દળો અને નાગરિક ઉડ્ડયન અધિકારીઓ દ્વારા અકસ્માતના કારણો અને વધુ વિગતો મેળવવા તપાસ તેજ કરવામાં આવી છે.
