ભારત-નેધરલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય બેઠક: ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટર્સ સિવાય અન્ય કયા કયા મુદ્દાઓ પર સાધી સર્વસંમતિ?

ભારત અને નેધરલેન્ડ્સે તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા છે, જે વેપાર, સેમિકન્ડક્ટર્સ, ગ્રીન એનર્જી અને પાણી વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 17 May 2026 09:13 AM (IST)Updated: Sun, 17 May 2026 09:16 AM (IST)
ndia-netherlands-strategic-partnership-green-energy-water-management

India-Netherlands meeting: ભારત અને નેધરલેન્ડ્સે પોતાના દ્વિપક્ષીય સંબંધોને એક નવા સ્તરે લઈ જઈને ઔપચારિક રીતે વ્યૂહાત્મક ભાગીદારીના રુપમાં બદલી નાખ્યું છે.નેધરલેન્ડની મુલાકાતે ગયેલા પીએમ મોદી અને ત્યાના નવનિયુક્ત ડચ પ્રધાનમંત્રી રોબ જેટન વચ્ચે ડચ પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને પ્રતિનિધિમંડળ સ્તરની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન, બંને દેશોનાં વેપાર, રોકાણ, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, સંરક્ષણ અને પાણી વ્યવસ્થાપન જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા સંમતિ આપી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતા, વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે આ વિકાસને બંને દેશો વચ્ચેના સંબંધો માટે એક સીમાચિહ્નરૂપ અને ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

વ્યૂહાત્મક ભાગીદારી માટે મહત્વાકાંક્ષી રોડમેપ તૈયાર

વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જના જણાવ્યા મુજબ, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં મળેલી ગતિનું સ્વાગત કર્યું અને ભવિષ્યના સહયોગ માટે દિશા પ્રદાન કરવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ અપનાવ્યો છે. સત્તાવાર વાતચીત પછી, બંને રાષ્ટ્રો વચ્ચે ઘણા મુખ્ય કરારો અને સમજૂતી કરારો (MoU) ની આપ-લે કરવામાં આવી હતી.

આ વ્યૂહાત્મક ભાગીદારી વ્યવસાય કરવાની સરળતા, સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલા, ગતિશીલતા, ગ્રીન એનર્જી, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગનો વિસ્તાર કરશે. બંને નેતાઓએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરારને શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકવા તેમજ તેના અનુગામી અમલીકરણને લઈને સકારાત્મક ચર્ચા કરી હતી.

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ટાટા અને ASMLનો ગેમ-ચેન્જિંગ કરાર

ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં આ મુકાલાત દરમિયાન એક મહત્વપૂર્ણ ડીલ થઈ હતી. ડચ કંપની ASML અને ભારતની ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધાની સ્થાપનાને ટેકો આપશે.

સિબી જ્યોર્જે આ કરારને ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે ગેમ ચેન્જર તરીકે ગણાવ્યું હતું. તેમણે કહ્યું, "આ કરાર સેમિકન્ડક્ટર અને ઉભરતી ટેકનોલોજીઓ અંગે ગયા વર્ષે થયેલા કરારોની આગળની કડી છે. ડચ કુશળતા દ્વારા સહાયિત, તે ભારતમાં એક મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણમાં મદદ કરશે. જેનાથી દેશમાં ઉચ્ચ-કુશળ રોજગારની તકો ઊભી થશે."

ગ્રીન હાઇડ્રોજન અને ડિજિટલ મેરીટાઇમ કોરિડોર પર સર્વસંમતિ

જલવાયુ અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આગળ વધતા, બંને દેશોએ "મહત્વાકાંક્ષી ગ્રીન હાઇડ્રોજન રોડમેપ" અપનાવ્યો છે. આ રોડમેપ ભારતમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, સ્થાનિક વપરાશ અને નિકાસને વેગ આપવા માટે રચાયેલ છે.

વધુમાં, બંને પક્ષોએ ભારતીય અને ડચ બંદરોને એકબીજા સાથે જોડવાના હેતુથી "ગ્રીન અને ડિજિટલ મેરીટાઇમ કોરિડોર" ના વિકાસ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર સંતોષ વ્યક્ત કર્યો.

IIT દિલ્હીમાં બનશે સેન્ટર ઓફ એક્સિલન્સ

જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને નવી ગતિ મળી છે. ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડના માળખાગત સુવિધાઓ અને જળ વ્યવસ્થાપન મંત્રાલયના સહયોગથી IIT દિલ્હી ખાતે જળ સંશોધન કેન્દ્રની સ્થાપનાનું બંને પક્ષોએ સ્વાગત કર્યું.

વધુમાં, ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે ટેકનિકલ સહયોગ અંગેના ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સિબી જ્યોર્જે સમજાવ્યું કે, આ બહુહેતુક મેગા-વોટર પ્રોજેક્ટમાં ભારતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મીઠા પાણીના જળાશયનું નિર્માણ શામેલ છે.

ઉત્તર નેધરલેન્ડ્સમાં સમાન પ્રકારની ડાઇક રચના અસ્તિત્વમાં હોવાથી, આ ક્ષેત્રમાં ડચ નિષ્ણાતોની કુશળતા ભારત માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.

પ્રધાનમંત્રી મોદી ડચ રાજવી પરિવારને મળ્યા

હેગ પહોંચ્યા બાદ, પ્રધાનમંત્રી મોદીનું ભારતીય ડાયસ્પોરા તરફથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ નેધરલેન્ડના રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે પણ મુલાકાત કરી, તેમને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં થયેલા મુખ્ય નીતિગત સુધારાઓ અને પરિવર્તનો વિશે માહિતી આપી. પીએમ મોદીએ નેધરલેન્ડના વડા પ્રધાન રોબ જેટનને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું - જે આમંત્રણનો ડચ વડાપ્રધાને ઉદારતાથી સ્વીકાર કર્યો હતો.