Middle East Conflict: અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત પર બધા દેશોની નજર છે. મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંભવિત શાંતિ કરાર અંગે પોતાનો અભિગમ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, તેઓ કોઈપણ પ્રકારની ઉતાવળમાં નથી. ટ્રમ્પના મતે, આ મામલે સાવચેતીપૂર્વક આગળ વધવું જરૂરી છે જેથી કરીને કાયમી શાંતિ સ્થાપી શકાય. બીજી તરફ, ઈરાને પણ સીઝફાયર માટે પોતાની કેટલીક કડક શરતો રજૂ કરી છે, જેના કારણે સમજૂતીનો માર્ગ હજુ પણ પડકારજનક જણાય છે.
સમજૂતી માટે ટ્રમ્પની કોઈ ઉતાવળ નહીં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું છે કે, તેમણે ઈરાન સાથે વાતચીત કરી રહેલા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની જરૂર નથી. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે સમય અત્યારે અમેરિકાના પક્ષમાં છે અને હોર્મુઝની નાકેબંધી પૂરી તાકાત સાથે પોતાનો પ્રભાવ પાડી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કોઈ પણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ટ્રમ્પે 2015 માં ઓબામા વહીવટ દ્વારા કરવામાં આવેલા ઈરાન કરારની આકરી ટીકા કરતા તેને ઈતિહાસનો સૌથી ખરાબ નિર્ણય ગણાવ્યો હતો.
શું ઈરાન 'અબ્રાહમ એકોર્ડ'માં જોડાશે?
ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત આશ્ચર્યજનક દાવો કર્યો છે કે ભવિષ્યમાં ઈરાન પણ ઐતિહાસિક 'અબ્રાહમ એકોર્ડ' (Abraham Accords) નો ભાગ બની શકે છે. આ સમજૂતી મુખ્યત્વે ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે કરવામાં આવી હતી. ટ્રમ્પે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, પાકિસ્તાન, તુર્કી અને ઇજિપ્ત જેવા મુસ્લિમ દેશોના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરીને ઈઝરાયેલ સાથેના સંબંધો સામાન્ય બનાવવા અને આ સમજૂતીમાં જોડાવા અંગે ચર્ચા કરી છે. જોકે, ઈરાને અગાઉ આવા કોઈપણ પ્રસ્તાવને ફગાવી દીધો છે અને તે ઈઝરાયેલને માન્યતા આપવાનો સતત ઈનકાર કરી રહ્યું છે.
'અબ્રાહમ એકોર્ડ' શું છે?
'અબ્રાહમ એકોર્ડ' એ એક ઐતિહાસિક કરાર છે. જેનો હેતું આરબના દેશો અને ઈઝરાયલ વચ્ચેની દુશ્મનાવટને ખતમ કરવાનો છે. સાથે આરબ દેશો અને ઈઝરાયલ વચ્ચે રાજદ્વારી અને વેપારના સંબંધોને સામાન્ય બનાવવાનો છે.
ઈરાનની શાંતિ માટેની 4 શરતો
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનેઈ સમર્થિત અખબાર 'કાયહાન' દ્વારા સીઝફાયર માટે 4 મુખ્ય શરતો જાહેર કરવામાં આવી છે. આ શરતો નીચે મુજબ છે:
1). ઈરાનના અત્યાર સુધીના પરમાણુ કાર્યક્રમ અને તેની તમામ સિદ્ધિઓને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવી પડશે.
2). યુદ્ધના કારણે થયેલા આર્થિક નુકસાન માટે અમેરિકાએ ઈરાનને વળતર ચૂકવવું પડશે.
3). અમેરિકાએ મધ્ય-પૂર્વના દેશોમાંથી પોતાના તમામ સૈનિકોને પાછા ખેંચવા પડશે.
4). તમામ મોરચે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીને તાત્કાલિક ધોરણે રોકવી પડશે.
ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે કોઈપણ પ્રકારના દબાણમાં ઝુકશે નહીં અને તેની શરતોનું સન્માન થાય તો જ કોઈ કરાર શક્ય છે. આમ, એક તરફ ટ્રમ્પનો વ્યવસ્થિત અને ધીમો અભિગમ છે અને બીજી તરફ ઈરાનની આકરી શરતો છે, જેના કારણે સમગ્ર વિશ્વની નજર હવે મધ્ય-પૂર્વના આ ગંભીર ભૌગોલિક રાજકીય ઘટનાક્રમ પર ટકેલી છે.
