Microsoft Outage: માઈક્રોસોફ્ટની ડિજિટલ સેવાઓમાં અચાનક સર્જાયેલી ગંભીર ટેક્નિકલ ખામીના કારણે ભારત સહિત દુનિયાના 74 દેશોમાં કરોડો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગુરુવારની આખી રાત અને શુક્રવાર સુધી ચાલેલા આ સંકટના કારણે વૈશ્વિક સ્તરે મોટો હ્હાકાર મચી ગયો હતો.
કઈ સેવાઓ પ્રભાવિત થઈ?
આ ટેક્નિકલ ગરબડના કારણે માઈક્રોસોફ્ટની મુખ્ય અને લોકપ્રિય સેવાઓ જેવી કે Microsoft 365, Outlook (આઉટલુક), Teams (ટીમ્સ), Word, Excel, PowerPoint, OneDrive અને AI આસિસ્ટન્ટ Co-Pilot સંપૂર્ણપણે ઠપ થઈ ગયા હતા.
આઉટલુક: યુઝર્સ ઇનબોક્સ ખોલવા, નવા મેલ મોકલવા કે રિસીવ કરવામાં અસમર્થ બન્યા હતા.
ટીમ્સ: ઓફિસની મીટિંગ્સ, ચેટ અને કોમ્યુનિકેશન ખોરવાઈ ગયા હતા.
ક્લાઉડ અને એઆઈ: વનડ્રાઈવ અને કો-પાઈલટ જેવી કનેક્ટિવિટી સેવાઓ પણ ડાઉન થઈ ગઈ હતી.
ઓપનએઆઈ (OpenAI) અને એન્થ્રોપિક (Anthropic) જેવી કંપનીઓના માઈક્રોસોફ્ટ 365 કનેક્ટર્સ પણ આ સમસ્યાથી પ્રભાવિત થયા હતા.
એરલાઈન્સથી લઈને હોસ્પિટલ અને અદાલતો સુધી ઠપ થયું કામકાજ
આ આઉટેજની અસર માત્ર સામાન્ય યૂઝર્સ પૂરતી સીમિત ન રહી, પરંતુ દુનિયાભરની અત્યંત આવશ્યક સેવાઓ ખોરવાાઈ ગઈ હતી.
એવિએશન ક્ષેત્ર: ભારતમાં ઇન્ડિગો, સ્પાઇસજેટ અને આકાશા એરની ઇમેઇલ સેવાઓ પ્રભાવિત થઈ હતી. સ્પાઇસજેટે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને અનેક ફ્લાઇટ્સ મોડી પડી હતી. દિલ્હી એરપોર્ટે મુસાફરોને ફ્લાઇટ સ્ટેટસ ચેક કરીને જ ઘરથી નીકળવાની સલાહ આપી હતી.
આરોગ્ય સેવાઓ: બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના ઇમેઇલ સિસ્ટમમાં અવરોધ ઊભો થવાથી દર્દીઓને દવાના પ્રિસ્કિપ્શન મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. એમ્બ્યુલન્સ અને પોલીસ સેવાઓ સાથે સંપર્ક સાધવામાં પણ અડચણ આવી હતી.
કોર્ટ અને સરકારી કાર્યાલયો: સ્કોટલેન્ડમાં સિવિલ અને ક્રિમિનલ અદાલતોની કાર્યવાહી મોડી શરૂ થઈ હતી. સિંગાપોર, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં સરકારી પ્રણાલીઓ તથા ફેડરલ એજન્સીઓનું કામકાજ પ્રભાવિત થયું હતું.
બેન્કિંગ અને રેલવે: હોંગકોંગના બેન્કિંગ સેક્ટર, ગોલ્ડમાન સૅક્સ અને નોમુરા જેવા મોટા રોકાણ બેન્કો પર અસર થઈ હતી. કેનેડા, જર્મની અને અમેરિકામાં રેલવે સેવાઓ (જેમ કે કેનેડાની VIA Rail)ના ટ્રેકર અને SMS સિસ્ટમ બંધ થઈ ગયા હતા.
કંપનીને 93 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન
આ વૈશ્વિક આઉટેજના કારણે અમેરિકી શેરબજારમાં માઈક્રોસોફ્ટના શેરોમાં અંદાજે બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ વૈશ્વિક સમસ્યાને કારણે કંપનીને અંદાજે 10 અબજ ડોલર એટલે કે 93 હજાર કરોડ રૂપિયાથી વધુનું મોટું આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ડાઉનડિટેક્ટર(DownDetector)ના ડેટા મુજબ, ભારત સહિત 74 દેશોમાં આશરે 43 કરોડ યુઝર્સ આનાથી પ્રભાવિત થયા હતા, જ્યારે માત્ર આઉટલુક એક્સેસ કરવા માટે 1.30 લાખથી વધુ લોકોએ સત્તાવાર ફરિયાદો નોંધાવી હતી.
'આ કોઈ સાઇબર હુમલો ન હતો' - માઈક્રોસોફ્ટની સ્પષ્ટતા
માઈક્રોસોફ્ટે સત્તાવાર નિવેદન આપીને સ્પષ્ટ કર્યું હતું કે આ સંકટ કોઈ સાઇબર એટેક કે એઆઈ (AI) હુમલાના કારણે નહોતું સર્જાય્યું. કંપનીના જણાવ્યા અનુસાર, એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સેવાઓ બહાલ કરવાના પ્રયાસો પૂર્ણ કરી લેવામાં આવ્યા છે અને ઇમેઇલ સેવાઓ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે.
જોકે, કંપનીએ ચેતવણી આપી હતી કે કેટલાક યુઝર્સને હજુ પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને આગામી 48 કલાકમાં સિસ્ટમ સંપૂર્ણપણે નોર્મલ થવાની અપેક્ષા છે. આઉટેજ પાછળનું ટેક્નિકલ કારણ આપતાં કંપનીએ જણાવ્યું કે કેટલાક સર્વર્સ અચાનક બંધ થઈ જવાથી અન્ય સર્વર્સ પર ટ્રાફિકનું દબાણ અચાનક વધી ગયું હતું.
વારંવાર થતા આઉટેજ સામે સવાલો અને અમેરિકી ટેક પર નિર્ભરતા ઘટાડવાની માંગ
ટેક્નોલોજી ક્ષેત્રના વિશ્લેષકોનું માનવું છે કે આવી ઘટનાઓનું વારંવાર બનવું ચિંતાનો વિષય છે. અગાઉ જુલાઈ 2024માં ક્રાઉડસ્ટ્રાઇક (CrowdStrike) ના ખરાબ સોફ્ટવેર અપડેટના કારણે વિન્ડોઝ કમ્પ્યુટર્સ 'બ્લૂ સ્ક્રીન ઓફ ડેથ'નો ભોગ બન્યા હતા અને કરોડોનું નુકસાન થયું હતું.
આ તાજેતરની ઘટનાએ ફરી એકવાર દુનિયાભરમાં અમેરિકી ટેક કંપનીઓ પર વધુ પડતી નિર્ભરતાનો ગંભીર મુદ્દો છેડી દીધો છે. યુરોપ પોતાના ડિજિટલ સર્વર્સ અને સાર્વભૌમત્વને મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે, જેથી વિદેશી ટેક જાયન્ટ્સ પરની નિર્ભરતા ઘટાડી શકાય. ભારતમાં પણ સરકારે સુરક્ષાના કારણોસર ડેટા લોકલાઇઝેશન અને દેશમાં જ સર્વર્સ સ્થાપિત કરવા પર વિશેષ ભાર મૂક્યો છે.
