Indonesia Ship Accident: ઇન્ડોનેશિયામાં પૂર્વ જાવાના સુરબાયા બંદરથી દક્ષિણ કાલિમંતાન પ્રાંતના બંજરમસિન તરફ જઈ રહેલું એક પેસેન્જર જહાજ અચાનક સર્જાયેલા ખરાબ હવામાનની ચપેટમાં આવી ગયું હતું. દરિયામાં અંદાજે 10 ફૂટ જેટલા ઊંચા અને તોફાની મોજા ઉછળી રહ્યા હોવાથી જહાજ અસંતુલિત થઈ ગયું હતું. જહાજના કેપ્ટને અગાઉથી જ દરિયાની ખરાબ સ્થિતિ અને જહાજ એક તરફ ઝૂકી રહ્યું હોવાનો કટોકટી સંદેશ મોકલ્યો હતો, પરંતુ તે પહેલાં જ તે તોફાની મોજાઓમાં પલટી ગયું હતું.
જાનહાનિ અને લાપતા મુસાફરોની વિગતો
આ દુર્ઘટનામાં અત્યાર સુધી 6 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જહાજમાં સવાર કુલ 243 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી 130 જેટલા લોકો હજુ પણ લાપતા છે, જેઓની શોધખોળ માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે રેસ્ક્યુ ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને 113 જેટલા લોકોને હેમખેમ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જેને વિવિધ જહાજો દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
રેસ્ક્યુ ઓપરેશન અને પ્રશાસનની કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને જોતા ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ ત્વરિત પગલાં લેતા જહાજની અંતિમ સ્થિતિ પર બચાવ ટીમો, જહાજો અને એક હેલિકોપ્ટરને રવાના કર્યા હતા. ઇન્ડોનેશિયાના પરિવહન મંત્રી ડુડી પુરવાગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હેલિકોપ્ટરના ક્રૂના નિરીક્ષણ મુજબ જહાજ સંપૂર્ણપણે ડૂબી જવાના બદલે પલટી ગયું છે. હાલ આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને લાપતા લોકોની શોધ માટે ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ટાપુઓવાળા દેશમાં દરિયાઈ પરિવહનના પડકારો
લગભગ 17,000 થી વધુ નાના-મોટા ટાપુઓથી બનેલા ઇન્ડોનેશિયા દેશમાં પરિવહન અને આવાગમન માટે જહાજો કે ફેરી ખૂબ જ મોટો આધાર ગણાય છે, કારણ કે આર્થિક રીતે તે હવાઈ મુસાફરી કરતા સસ્તા અને સુલભ પડે છે. પરંતુ દરિયાઈ માર્ગો પર અવારનવાર બદલાતું ખરાબ હવામાન અને ક્યારેક સુરક્ષાના કડક ધોરણોના પાલનમાં થતી ચૂકને કારણે પ્રવાસીઓની સુરક્ષા સામે મોટા જોખમો ઉભા થતા હોય છે અને આવી ગંભીર દુર્ઘટનાઓનો ભોગ બનવું પડે છે.
