London Navratri 2026: લંડનના કિંગ્સબરીમાં નવરાત્રી પહેલાં ગરબાનો રંગ જામ્યો, 400થી વધુ ખેલૈયાએ રમઝટ બોલાવી

પુરુષોત્તમ મહાલ, કિંગ્સબરી ખાતે યોજાયેલા આ પ્રી-નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત મહિલાઓ રંગબેરંગી ચણિયા ચોળીમાં અને પુરુષો પરંપરાગત કેડીયુ અને કફની પાયજામામાં સજ્જ થઈ આવ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 12 Oct 2026 03:26 PM (IST)Updated: Mon, 12 Oct 2026 03:40 PM (IST)
london-navratri-2026-folk-fest-2026-brings-gujarati-culture-to-kingsbury

Folk Fest 2026: નવરાત્રીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લંડનની ગુજરાતી સમુદાયે ફરી એકવાર સાબિત કર્યું કે ગરબા અને ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ સાત સમુદ્ર પાર પણ એટલો જ જીવંત છે. સરજન નર્તન એકેડેમી દ્વારા આયોજિત ભવ્ય “ફોક ફેસ્ટ 2026” કાર્યક્રમમાં 400થી વધુ ગરબાપ્રેમીઓ, વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને મિત્રો એકત્ર થયા હતા.

પુરુષોત્તમ મહાલ, કિંગ્સબરી ખાતે યોજાયેલા આ પ્રી-નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત મહિલાઓ રંગબેરંગી ચણિયા ચોળીમાં અને પુરુષો પરંપરાગત કેડીયુ અને કફની પાયજામામાં સજ્જ થઈ આવ્યા હતા. સમગ્ર હોલ ગુજરાતી સંસ્કૃતિના રંગોથી ઝળહળી ઉઠ્યો હતો અને જાણે ગુજરાતની નવરાત્રી લંડનની ધરતી પર ઉતરી આવી હોય તેવો માહોલ સર્જાયો હતો.

આ પ્રસંગે સુરત અને વડોદરાથી આવેલા ગાયકો અને સંગીતકારોએ પરંપરાગત ગરબા, લોકગીતો અને લોકપ્રિય નવરાત્રીના ગીતોની સુંદર રજૂઆત કરી હતી. સંગીતના મધુર સૂર અને ઢોલના તાલ સાથે યુવાનો, બાળકો અને વડીલો ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા. સમગ્ર સાંજ દરમિયાન આનંદ, ઉમંગ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.

naidunia_image

કાર્યક્રમ દરમિયાન વિવિધ ફૂડ સ્ટોલ્સ પણ લોકોને ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આઈસ ગોલા કંપની દ્વારા ઠંડા અને સ્વાદિષ્ટ ઠંડા ગોલા, તાજા નારંગી, લીંબુ અને તરબૂચના રસ પીરસવામાં આવ્યા હતા. જ્યારે સ્નેહ સ્વીટ્સ એન્ડ સેવરી દ્વારા તાજી બનાવાયેલી વિવિધ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ વાનગીઓ પીરસવામાં આવી હતી, જેને ઉપસ્થિતોએ ખૂબ માણી હતી.

કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે બ્રેન્ટ કાઉન્સિલના લીડર કાઉન્સિલર મહંમદ બટ્ટ, લંડન એસેમ્બલી મેમ્બર કૃપેશ હિરાણી અને કાઉન્સિલર જયંતીભાઈ પટેલ હાજર રહ્યા હતા. ઉપરાંત મેટ્રોપોલિટન પોલીસ હિન્દુ એસોસિયેશનના સચિવ અને પ્રતિનિધિઓ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની વિશેષતા એ રહી કે મેટ્રોપોલિટન પોલીસના પ્રતિનિધિઓએ માત્ર હાજરી જ આપી નહોતી, પરંતુ તેઓ ગરબામાં પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત લોકો સાથે ગરબા રમીને સૌહાર્દ અને સમુદાય સાથેના મજબૂત સંબંધનો સુંદર સંદેશ આપ્યો હતો.

નવરાત્રીના આગામી નવ દિવસ દરમિયાન લંડનભરમાં હજારો લોકો વિવિધ ગરબા અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશે તે જોતાં મેટ્રોપોલિટન પોલીસે લોકોની સુરક્ષા માટે પેટ્રોલિંગ અને દેખરેખમાં વધારો કર્યો હોવાનું પણ જણાવાયું હતું. પોલીસ દ્વારા તમામ સમુદાયોને સુરક્ષિત અને આનંદમય નવરાત્રી ઉજવવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

naidunia_image

રંગબેરંગી વેશભૂષા, મનમોહક સંગીત, ઉત્સાહભર્યા ગરબા અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન સાથે “ફોક ફેસ્ટ 2026” એક યાદગાર અને સફળ પ્રી-નવરાત્રી ઉજવણી સાબિત થઈ હતી. કાર્યક્રમ પૂર્ણ થતાં સૌના ચહેરા પર ખુશી અને સંતોષ જોવા મળતો હતો અને હવે સૌની નજર આવનારી નવરાત્રીની ધામધૂમભરી ઉજવણી તરફ કેન્દ્રિત થઈ છે.