Lalit Modi: ભાગેડુ લલિત મોદી બન્યો બ્રિટિશનો નાગરિક; ઓક્સફર્ડ યુનિયનના મંચ પરથી કરી મોટી જાહેરાત, UK ને ગણાવ્યું પોતાનું ઘર

લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર બ્રિટિશ નાગરિકત્વની ઉજવણી કરતી કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જે બે મહિના પહેલા લેવામાં આવી હતી. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, એક ગર્વની ક્ષણ. એક નવો અધ્યાય.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 15 Nov 2026 10:43 AM (IST)Updated: Sun, 15 Nov 2026 10:43 AM (IST)
lalit-modi-gets-british-citizenship-announces-at-oxford-union-calls-uk-his-home
લલિત મોદી

Lalit Modi British Citizenship: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક અને ભારતમાંથી ભાગેડુ જાહેર કરાયેલા લલિત મોદીએ (Lalit Modi) સત્તાવાર રીતે યુનાઈટેડ કિંગડમ (UK) નું નાગરિકત્વ મેળવી લીધું છે. શનિવારે, 14 નવેમ્બર, 2026 ના રોજ લલિત મોદીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને ખુલાસો કર્યો હતો કે તેમને 15 સપ્ટેમ્બર, 2026 ના રોજ બ્રિટિશ નાગરિકત્વ (British Citizenship) એનાયત કરવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે બ્રિટનને પોતાનું કાયમી ઘર ગણાવીને બ્રિટિશ નાગરિક બનવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી છે.

ઓક્સફર્ડ યુનિયનને સંબોધિત કર્યા બાદ કરી સત્તાવાર જાહેરાત

લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર બ્રિટિશ નાગરિકત્વની ઉજવણી કરતી કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જે બે મહિના પહેલા લેવામાં આવી હતી. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, "એક ગર્વની ક્ષણ. એક નવો અધ્યાય. આજે 14 નવેમ્બર, 2026 ના રોજ મને પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિયન (Oxford Union) ને સંબોધિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, જ્યાં મેં મારા જીવનના એક અત્યંત ખાસ અને અંગત સીમાચિહ્ન વિશે વાત કરી."

પોતાની નાગરિકત્વની તારીખ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, "મને બ્રિટિશ નાગરિક હોવાનો ગર્વ છે. 15 સપ્ટેમ્બર, 2026 ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની વચ્ચે મેં બ્રિટિશ નાગરિકત્વ મળવાની ઉજવણી કરી હતી. આ પ્રસંગ હંમેશા મારા હૃદયની ખૂબ નજીક રહેશે."

14 નવેમ્બરની તારીખ પસંદ કરવા પાછળનું ખાસ કારણ

બ્રિટિશ નાગરિકત્વ મેળવ્યાના બે મહિના બાદ 14 નવેમ્બરના રોજ આ સમાચાર જાહેર કરવા પાછળનું કારણ જણાવતા લલિત મોદીએ બ્રિટનના શાહી પરિવાર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, "ઘણી બધી અપેક્ષાઓ સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. બ્રિટનના મહારાજ ચાર્લ્સ તૃતીય (King Charles III) ના જન્મદિવસના અવસરે આ ક્ષણને વહેંચવી તેને વધુ વિશેષ બનાવે છે. ઈશ્વર મહારાજનું રક્ષણ કરે!"

યુનાઈટેડ કિંગડમને ગણાવ્યું પોતાનું ઘર

વર્ષ 2010 થી ભારત છોડીને લંડનમાં સ્થાયી થયેલા લલિત મોદીએ યુકે પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરતા લખ્યું, "યુનાઈટેડ કિંગડમ ઘણા વર્ષોથી મારું ઘર રહ્યું છે. આ એક એવો દેશ છે જેનો હું ખૂબ આદર કરું છું અને જેને હું પ્રેમ કરું છું—અહીંના લોકો, સંસ્થાઓ, પરંપરાઓ અને મૂલ્યો અદભુત છે. બ્રિટિશ નાગરિક બનવું એ એક સૌભાગ્ય અને મોટી જવાબદારી છે, જેને હું ગર્વ અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિવિધ સંસ્કૃતિઓ અને અનુભવો દ્વારા ઘડાયેલી તેમની જીવન સફર બાદ હવે તેઓ બ્રિટનના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા માટે ઉત્સુક છે. આ યાદગાર અવસર પૂરો પાડવા બદલ તેમણે ઓક્સફર્ડ યુનિયન અને પોતાના પરિવારજનોનો આભાર માન્યો હતો.