કેન્યામાં ભીષણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે થઈ ભયાનક ટક્કર: 22 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

નોંધનીય છે કે, આ જ હાઈવે પર 3 અઠવાડિયા પહેલાં જ સર્જાયેલા એક અકસ્માતમાં 17 લોકોના મોત થયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 25 Oct 2026 04:04 PM (IST)Updated: Sun, 25 Oct 2026 04:04 PM (IST)
kenya-road-accident-bus-truck-collision-22-dead-nairobi-mombasa-highway

Kenya Road Accident: કેન્યામાં નૈરોબી-મોમ્બાસા હાઈવે પર રવિવારની સવારે એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 22 લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. આ કરુણ હોનારતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

માકુએની કાઉન્ટી કમિશનર અબ્દુલ્લાહી ખલીફે આશંકા વ્યક્ત કરી છે કે, મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. અહેવાલો અનુસાર, બસમાં સવાર મુસાફરો એક અંતિમ સંસ્કારના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રાજધાની નૈરોબીને શહેર મોમ્બાસા સાથે જોડતા મુખ્ય હાઇવે પર થયેલા અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ ચાલી રહી છે.

જોકે, કેન્યામાં અતિશય પૂરપાટ ઝડપ અને રસ્તાઓની ખરાબ સ્થિતિને મોટા અકસ્માતોનું મુખ્ય કારણ માનવામાં આવે છે. નોંધનીય છે કે, આ જ હાઈવે પર માત્ર 3 અઠવાડિયા પહેલાં જ સર્જાયેલા અન્ય એક અકસ્માતમાં 17 લોકોના મોત થયા હતા.

કેન્યાના નેશનલ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી ઓથોરિટીના જણાવ્યા અનુસાર, રાજમાર્ગનો આ ચોક્કસ ભાગ અગાઉથી જ 'એક્સિડન્ટ બ્લેક સ્પોટ' તરીકે ચિહ્નિત થયેલો છે. આ રસ્તા પર સુરક્ષા સુધારણા માટે ભૂતકાળમાં અનેક ભલામણો પણ કરવામાં આવી હતી.