Pak Terror Camp: ભારત દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ની કાર્યવાહીમાં ભારે નુકસાન પામેલું સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય અડ્ડો ‘મરકઝ સુભાનઅલ્લાહ’ ફરી એકવાર પૂરેપૂરું સક્રિય થઈ ગયું છે.
હુમલાના નિશાન મિટાવાયા, પ્રીમિયમ માર્બલથી નવું બાંધકામ
હુમલાના એક વર્ષથી વધુ સમય બાદ સામે આવેલા નવા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આ પરિસરમાં રિનોવેશનનું કામ પૂરું કરી દેવાયું છે. મુખ્ય ઈમારતના ગુંબજોને ફરીથી તૈયાર કરવામાં આવ્યા છે. દીવાલો પર નવો પ્લાસ્ટર અને પેઇન્ટ કરવા ઉપરાંત પ્રીમિયમ માર્બલ ફ્લોરિંગ લગાવવામાં આવ્યું છે, જેથી ધમાકા અને બોમ્બબારીના જૂના તમામ નિશાન સંપૂર્ણપણે ઢંકાઈ ગયા છે.
કોંક્રિટથી પૂરાયા બ્લાસ્ટ ઝોનના ગરનાળા
ધમાકાને કારણે હોલની અંદર બનેલા વિશાળ ખાડાઓને કોંક્રિટથી ભરી દેવામાં આવ્યા છે. સંપૂર્ણપણે તબાહ થઈ ચૂકેલા 'અલ-સાબિર મધરસા' અને આતંકી કમાન્ડરોના નિવાસસ્થાન વાળી ઈમારતોના મકાનોના કાટમાળને હટાવીને ત્યાં નવેસરથી બાંધકામ કરાયું છે.
પાકિસ્તાન સરકાર તરફથી 25 કરોડની મદદ
ગુપ્તચર અહેવાલો મુજબ, પાકિસ્તાની સત્તાધીશોએ જૈશ-એ-મોહમ્મદને 25 કરોડ પાકિસ્તાની રૂપિયાની રોકડ સહાય પૂરી પાડી હતી. આમાંથી આશરે 11 કરોડ રૂપિયા માત્ર 15 મહિનાના ટૂંકા ગાળામાં આ મુખ્ય પરિસરના પુનઃનિર્માણ પાછળ ખર્ચવામાં આવ્યા છે.
બહાવલપુર કેન્દ્રની કમાનમાં ફેરફાર
જૈશ સરગના મસૂદ અઝહરની બગડતી તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે બહાવલપુર પરિસરનું દૈનિક કામકાજ હવે તેના ભાઈઓ તલહા અલ-સૈફ અને મોહિયુદ્દીન ઔરંગઝેબ (અન્ય નામ: અમ્માર અલ્વી) સંભાળી રહ્યા છે.
બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર મસૂદ અઝહર અને રઉફ અસગર જેવા વરિષ્ઠ આતંકવાદીઓ અત્યારે સિંઘ પ્રાંતના નવાબશાહ જિલ્લામાં પાકિસ્તાન સરકાર અને એજન્સીઓના સંરક્ષણ હેઠળ સુરક્ષિત ઠેકાણાઓમાં છુપાયેલા છે.
