Arpita Sarkar Arrest: પશ્ચિમ બંગાળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ને આતંકવાદ વિરોધી કામગીરીમાં એક મોટી સફળતા મળી છે. જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આતંકવાદી હમીમ મંડલની અટકાયત કર્યાના ચોવીસ કલાકની અંદર, એસટીએફની ટીમે ઝારખંડના સાહિબગંજથી તેની ગર્લફ્રેન્ડ અર્પિતા સરકારની ધરપકડ કરી છે. બર્ધમાન કોર્ટે આરોપી અર્પિતાને 13 દિવસ માટે એસટીએફની કસ્ટડીમાં સોંપવાનો હુકમ કર્યો છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય અર્પિતા સરકાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને ISI સમર્થિત મોડ્યુલ માટે કામ કરી રહી હતી. તેના પર બંગાળના પ્રભાવશાળી રાજકીય નેતાઓ અને વીઆઈપી વ્યક્તિઓ પર નજર રાખવાનો તેમજ એક પ્રમુખ મંત્રીના પુત્રને હનીટ્રેપ કરવાના કાવતરામાં સક્રિય ભૂમિકા ભજવવાનો ગંભીર આરોપ છે.
ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલી લવ સ્ટોરી અને આતંકી નેટવર્ક
કેસની તપાસ કરી રહેલા તબીબો અને તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે, અર્પિતા અને હમીમ મંડલ વચ્ચે ચાર વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો, જે બાદ તેઓ પ્રેમ સંબંધમાં આવ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી હમીમે અર્પિતાને આ મોડ્યુલમાં સામેલ કરી હતી. ત્યારબાદ તેને પાકિસ્તાની હેન્ડલર્સ તરફથી સીધી સૂચનાઓ મળવા લાગી હતી.
STF IG ગૌરવ શર્માના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે થયેલી ઇન્સ્ટાગ્રામ ચેટ્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે અર્પિતાની ધરપકડ કરવામાં આવી છે. તે દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર સક્રિય રહીને મોટરસાઇકલ રાઇડિંગ અને ટ્રાવેલિંગની રીલ્સ બનાવતી હતી, પરંતુ રાત્રે તે પાકિસ્તાની આકાઓના ઇશારે રાજકીય હસ્તીઓની જાસૂસી અને હનીટ્રેપની યોજનાઓ ઘડવામાં વ્યસ્ત રહેતી હતી. અર્પિતા ઝારખંડના બરહરવાની રહેવાસી છે અને તેણે BSK કોલેજમાંથી અંગ્રેજી ઓનર્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
પાકિસ્તાની હેન્ડલર્સ અને વિદેશી સિમ કાર્ડનો ઉપયોગ
તપાસમાં સામે આવ્યું છે કે, આ મોડ્યુલના તાર પાકિસ્તાનની શહઝાદ ભટ્ટી ગેંગ સાથે જોડાયેલા છે. આતંકવાદી પ્રચાર ફેલાવવા અને યુવાનોનું બ્રેઇનવોશ કરવા માટે WhatsApp, Telegram, Element X અને Session જેવા અત્યંત એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવતો હતો.
પોલીસે આ કાવતરા પાછળ ચાર મુખ્ય પાકિસ્તાની હેન્ડલર્સ—અબીર જાટ333, ઉઝૈર, રાણા અને હમાદની ઓળખ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, પોતાની ઓળખ છુપાવવા માટે આ આતંકી હેન્ડલર્સ યુનાઇટેડ કિંગડમ (UK) અને મેક્સિકોના સિમ કાર્ડ્સનો ઉપયોગ કરી રહ્યા હતા.
STF હાલમાં જપ્ત કરાયેલા ડિજિટલ ડિવાઇસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કાવતરામાં અન્ય કેટલા સ્થાનિક યુવાનો કે ઇન્ફ્લુએન્સર્સ જોડાયેલા છે તેની માહિતી મેળવવા માટે તપાસ તેજ કરવામાં આવી છે, અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા એજન્સી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
