Japan Earthquake News: આજે રવિવારે સવારે ઉત્તર-પૂર્વ જાપાનમાં 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી, અને જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. જાપાનના 7-પોઈન્ટ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5 નોંધાઈ હતી.
40 કિલોમીટરની ઊંડાઈએ હતું કેન્દ્ર
આ પણ વાંચો
જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે સ્થાનિક સમય મુજબ આશરે 7:25 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દરિયાકાંઠેથી 40 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. જાપાનના 7-પોઇન્ટ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5 નોંધાઈ હતી. હચિનોહે શહેર સહિત આઓમોરી પ્રાંતના અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા અને આસપાસના વિસ્તારોમાં પણ ધરતી ધ્રુજી ઉઠી હતી.
જાપાનમાં શક્તિશાળી ભૂકંપનો સિલસિલો
આ ભૂકંપ તાજેતરમાં ઉત્તર જાપાનમાં આવેલા 7.2 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ આવ્યો છે. જાપાનના હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ ભૂકંપ એ જ વિસ્તારમાં આવ્યો છે જ્યાં 25 જૂને ઇવાતેના તટ પર 6+ ની મહત્તમ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
હવામાન એજન્સી દ્વારા આફ્ટરશોકનું એલર્ટ
જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીએ નાગરિકોને ચેતવણી આપી છે કે 25 જૂનના ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં આગામી લગભગ એક સપ્તાહ સુધી 6 કે તેથી વધુ તીવ્રતાના આફ્ટર શોક એટલે કે ભૂકંપના વધુ આંચકા આવી શકે છે.
હવામાન એજન્સીએ ખાસ ચેતવણી આપી છે કે જે વિસ્તારોમાં તીવ્ર આંચકા અનુભવાયા છે ત્યાં ખડકો પડવાનો અને ભૂસ્ખલનનો ખતરો વધી શકે છે, તેથી સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને આગામી ભૂકંપીય ગતિવિધિઓ પ્રત્યે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
