Israel-Palestine War: ગાઝામાં ઇઝરાયલનો મોટો હુમલો, હમાસના નવા સૈન્ય પ્રમુખને માર્યાનો દાવો

એકાદ સપ્તાહ પહેલા જ હમાસને નવો સૈન્ય પ્રમુખ મોહમ્મદ ઓદેહ મળ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 27 May 2026 03:14 PM (IST)Updated: Wed, 27 May 2026 03:14 PM (IST)
israeli-strikes-on-gaza-kill-new-hamas-military-chief-mohammed-odeh
HIGHLIGHTS
  • ઇઝરાયેલ દ્વારા ગાઝામાં મોટો હુમલો
  • હમાસના નવા સૈન્ય પ્રમુખનો ખાતમો

Israel attack on Gaza: ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા ગાઝામાં હમાસની સૈન્ય પાંખ અલ-કસમ બ્રિગેડ્સના નવા પ્રમુખ મોહમ્મદ ઓદેહને મારી નાખવાનો મોટો દાવો કર્યો છે. ઓદેહને તાજેતરમાં જ આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો. ઇઝરાયલે તેને 7 ઓક્ટોબર 2023 ના રોજ થયેલા ઘાતક હુમલાના મુખ્ય કાવતરાખોરમાંનો એક ગણાવ્યો છે.

એક સપ્તાહ પહેલા જ બન્યો હતો સૈન્ય પ્રમુખ

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાટ્ઝ દ્વારા જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદન અનુસાર, મોહમ્મદ ઓદેહ 7 ઓક્ટોબરના હુમલા સમયે હમાસની ગુપ્તચર એજન્સીનો વડો હતો. તેને લગભગ એક સપ્તાહ પહેલા જ અલ-કસમ બ્રિગેડ્સનો નવો ચીફ બનાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, પૂર્વ સૈન્ય પ્રમુખ ઇઝ્ઝ અલદીન અલ-હદાદ બે અઠવાડિયા પહેલા ગાઝામાં IDF ના હુમલામાં માર્યો ગયો હતો. ત્યારબાદ ઓદેહને તેની જગ્યાએ નિયુક્ત કરાયો હતો. ઇઝરાયલનો આરોપ છે કે, ઓદેહ અનેક ઇઝરાયલી નાગરિકો અને સૈનિકોની હત્યા, અપહરણ અને અન્ય હુમલાઓ માટે જવાબદાર હતો.

"અમે હિઝબુલ્લાહ સાથે યુદ્ધમાં છીએ. તાજેતરમાં અમારા સૈનિકોએ 600 થી વધુ આતંકવાદીને ઠાર માર્યા છે અને અમે હજુ કાર્યવાહી વધુ તેજ કરીશું." -- વડાપ્રધાન નેતન્યાહુ

નેતન્યાહુની આકરી પ્રતિક્રિયા અને સતત હુમલા

ગાઝામાં હજુ પણ હુમલાઓ સતત ચાલુ છે. હમાસ નિયંત્રિત ગાઝા સિવિલ ડિફેન્સ એજન્સીના જણાવ્યા મુજબ, પશ્ચિમી ગાઝા સિટીના રિમાલ વિસ્તારમાં ઇઝરાયલી એરસ્ટ્રાઇકમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે.

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોહમ્મદ ઓદેહના મોતના સમાચારની પુષ્ટિ કરતા સ્પષ્ટ કર્યું કે, 7 ઓક્ટોબરના હુમલામાં સામેલ તમામ લોકોને ખતમ કરવામાં આવશે. આ અગાઉ, ઇઝરાયલી સેના હમાસના પૂર્વ રાજકીય વડા ઇસ્માઇલ હાનિયેહ, નેતા યાહ્યા સિનવાર અને મોહમ્મદ દીફ જેવા કમાન્ડરોનો પણ ખાતમો કરી ચૂકી છે.

લેબેનોનમાં પણ હિઝબુલ્લાહ પર કાર્યવાહી તેજ

ઇઝરાયલના હુમલા માત્ર ગાઝા પૂરતા સીમિત નથી. ઇઝરાયલે લેબનોનમાં પણ હમાસ અને ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલો તેજ કરી દીધા છે. ટાયર અને મરજાયૌન જિલ્લાના બુર્જ રહાલ, સરીફા, અસ-સવાના અને કબરિખા જેવા વિસ્તારોમાં એરસ્ટ્રાઇક કરવામાં આવી છે.

માનવખુવારી: એક જ હુમલામાં 1221 લોકોના મોત

ઇઝરાયલના સત્તાવાર આંકડા મુજબ, 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1221 લોકોના મોત થયા હતા. બીજી તરફ, હમાસ નિયંત્રિત ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, ઇઝરાયલના વળતા હુમલાઓમાં અત્યાર સુધીમાં 72,803 પેલેસ્ટાઇની લોકોએ જીવ ગુમાવ્યા છે.