Iran-US conflict: અમેરિકાના હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર, બહેરીન અને કુવૈતમાં અમેરિકી બેઝ પર હુમલો

ઈરાનના શીર્ષ સંયુક્ત સૈન્ય કમાન્ડે હોર્મુઝ સામુદ્રધુનીને બંધ કરવાની જાહેરાત કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 11 Jun 2026 09:49 AM (IST)Updated: Thu, 11 Jun 2026 09:49 AM (IST)
iran-strikes-back-on-us-military-bases-tensions-in-bahrain-kuwait

Iran-US conflict, Iran Counter Attack: મિડલ ઈસ્ટમાં તણાવ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે ઈરાનની અંદર સૈન્ય દેખરેખ ક્ષમતાઓ, સંચાર પ્રણાલી અને હવાઈ સંરક્ષણ સ્થળોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. પરંતુ આ હુમલા બાદ ઈરાને ખૂબ જ ઝડપી અને આક્રમક જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

બહેરીનમાં વાગ્યા સાયરન, કુવૈત એરસ્પેસ બંધ

અમેરિકાના હુમલા બાદ ઈરાને તરત જ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ઈરાનના સતત હુમલાને જોતા બહેરીનમાં મિસાઈલ એલર્ટના સાયરન વાગ્યા છે. બીજી તરફ, કુવૈતના નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે પોતાનું એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી અને સુરક્ષા માટે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી છે, જે દુશ્મનના હવાઈ લક્ષ્યોને નિશાન બનાવી રહી છે.

અમેરિકન નેવી પર 'શાહિદ-136' ડ્રોનથી હુમલો

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા દાવો કરાયો છે કે, બહેરીનમાં અમેરિકન નેવીના પાંચમા ફ્લીટ (US 5th Fleet) ના હેડક્વાર્ટરને નિશાન બનાવીને 'શાહિદ-136' સુસાઈડ ડ્રોનથી હુમલો કર્યો છે. ઈરાની સમાચાર એજન્સી 'મેહર' અનુસાર, IRGC એરોસ્પેસ ફોર્સ અને નેવીએ મળીને બે તબક્કામાં આ ઓપરેશન પાર પાડ્યું છે.

આ હુમલામાં વિવિધ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો છે. જેમાં અમેરિકાના અલ-સલેમ એર બેઝ, અહમદ અલ-જબર એર બેઝ અને શેખ ઈસા એર બેઝ પર હાજર લગભગ 18 જેટલા લશ્કરી ઠેકાણા, અમેરિકન મિલિટરીની કોમ્યુનિકેશન સિસ્ટમ અને બહેરીનમાં આવેલી પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમના રડાર લોકેશનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જોર્ડનમાં રહેલા અમેરિકી મિલિટ્રી બેઝને પણ મિસાઈલોથી નિશાન બનાવવામાં આવ્યા છે, જ્યાં જોર્ડને પોતાની સીમામાં આવી રહેલી 5 ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાની પુષ્ટિ કરી છે.

હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની ધમકી

જમીન અને હવા ઉપરાંત દરિયામાં પણ સંકટ ઘેરું બન્યું છે. ઈરાનના શીર્ષ સંયુક્ત સૈન્ય કમાન્ડે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે અહીંથી પસાર થવાનો પ્રયાસ કરતા ટેન્કરો અને જહાજો પર ગોળીબાર કરવામાં આવશે.

ઈરાની મીડિયાએ પહેલાથી જ બે જહાજો પર ફાયરિંગની પુષ્ટિ કરી છે. જ્યારે અમેરિકન મિલિટ્રીએ પોતાનું ઓપરેશન પૂરું કર્યું ત્યારે તેમને લાગ્યું કે પ્રકરણ પૂરું થઈ ગયું છે, પરંતુ ઈરાને અમેરિકા પર જંગનું એલાન કરીને મિડલ ઈસ્ટના યુદ્ધના માહોલને વધુ ખતરનાક બનાવી દીધો છે.