US Iran Relations: ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હજારો લોકો તખ્તાપલટની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે અને છેલ્લા 5 દિવસમાં થયેલી આ હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. ઈરાનમાં સર્જાયેલી આ અસ્થિરતા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતે પ્રતિક્રિયા આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની સીધી દખલની ચેતવણી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ત્યાંની સરકાર કે સેના નિર્દોષ લોકોનું દમન કરશે, તો અમેરિકા આ મામલામાં સીધો હસ્તક્ષેપ કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનમાં હાલ અસ્થિરતાનો માહોલ છે અને જો જનતા પર અત્યાચાર થશે તો અમેરિકા દેશની જનતાનો સાથ આપશે.
ઈરાની વિદેશ મંત્રીનો વળતો પ્રહાર
ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ વળતો જવાબ આપતા ટ્રમ્પના નિવેદનને ખતરનાક ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ઈરાનમાં શું ચાલી રહ્યું છે અને સરકારે શું કરવાનું છે, તે ઈરાનનો આંતરિક મામલો છે. ઈરાનના લોકો પોતાના આંતરિક મામલામાં કોઈ પણ પ્રકારની વિદેશી દખલગીરી સ્વીકારશે નહીં.
અમેરિકાના બેવડા ધોરણો પર સવાલ
વિદેશ મંત્રી અરાઘચીએ અમેરિકા પર પ્રહાર કરતા કહ્યું કે ટ્રમ્પે પોતે પોતાના દેશમાં નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે, તેથી તેમને ખબર હોવી જોઈએ કે જાહેર સંપત્તિ પરના હુમલા સહન કરી શકાય નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાનની સશસ્ત્ર સેનાઓ કોઈ પણ ઉલ્લંઘનનો સામનો કરવા માટે તૈયાર છે.
