મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના એંધાણ: અમેરિકાના હુમલાથી ભભૂક્યું ઈરાન, બદલો લેવા બહેરીન અને જોર્ડનમાં યુએસ સૈન્ય ઠેકાણાઓ પર કર્યો ડ્રોન-મિસાઈલ મારો

આ જવાબી હુમલાઓ બાદ સમગ્ર પર્સિયન ગલ્ફ અને ખાડી દેશોમાં ભારે સૈન્ય હલચલ વધી ગઈ છે, જે વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બન્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 10 Jun 2026 07:58 AM (IST)Updated: Wed, 10 Jun 2026 07:58 AM (IST)
iran-attacked-the-us-navys-5th-fleet-and-also-targeted-a-us-base-in-jordan

Iran Attacked US Navy: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે અને અમેરિકા તથા ઈરાન વચ્ચે સીધું સૈન્ય યુદ્ધ શરૂ થઈ ગયું છે. બુધવારે વહેલી સવારે ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) એ દક્ષિણ ઈરાનમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા સૈન્ય હુમલાનો વળતો અને સખત બદલો લીધો છે. ઈરાની સેનાએ બહેરીનમાં સ્થિત અમેરિકાની કુખ્યાત 'ફિફ્થ ફ્લીટ' (નૌકા સૈન્ય મથક) પર મોટો ડ્રોન હુમલો કર્યો છે, તેમજ જોર્ડનમાં આવેલા યુએસ આર્મી બેઝને પણ ઘાતક મિસાઈલો વડે નિશાન બનાવ્યું છે.

બીજી તરફ, ઈરાનના આ હુમલા બાદ બહેરીન પ્રશાસને દેશભરમાં મિસાઈલ એટેકના સાયરન વગાડ્યા છે અને નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ આશરો લેવા માટે કટોકટીની અપીલ કરી છે.

અમેરિકાએ ખોટા બહાના હેઠળ બોમ્બમારો કર્યો: ઈરાન

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે (IRGC) સત્તાવાર નિવેદન જારી કરીને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો યુએસ સૈન્ય તેની આક્રમકતા ચાલુ રાખશે, તો આનાથી પણ વધુ ભયાનક અને કડક જવાબી કાર્યવાહી કરવામાં આવશે. ઈરાને આક્ષેપ કર્યો છે કે, "યુદ્ધપ્રેમી અમેરિકી સરકારે ખોટા બહાના હેઠળ ઈરાનના દરિયાકાંઠાના બંદર શહેરો જસ્ક, સિરિક અને કેશ્મ પર હવાઈ હુમલા કર્યા છે."

ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકાના આ બોમ્બમારાને કારણે સિરિક શહેરમાં એક મુખ્ય ટેલિકોમ્યુનિકેશન ટાવર ધ્વસ્ત થઈ ગયો છે અને પીવાના પાણીની બે મોટી ટાંકીઓ સંપૂર્ણપણે નાશ પામી છે.

અમેરિકાનો દાવો: 'સ્વ-બચાવ' માં કરી કાનૂની કાર્યવાહી

સામે પક્ષે, યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાન પર કરેલા હુમલાઓને યોગ્ય ઠેરવતા મોટું નિવેદન આપ્યું છે. સેન્ટકોમે જણાવ્યું કે, ગત 9 જૂનના રોજ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ની નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં પેટ્રોલિંગ કરી રહેલા યુએસ આર્મીના 'અપાચે હેલિકોપ્ટર' (Apache Helicopter) ને ઈરાની સેનાએ તોડી પાડ્યું હતું. જેના જવાબમાં અમેરિકાએ સંપૂર્ણપણે 'સ્વ-બચાવ' (Self-Defense) માં આ ઓપરેશન પાર પાડ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખેલા સત્તાવાર બયાનમાં CENTCOM એ સ્પષ્ટ કર્યું છે કે, રાષ્ટ્રપતિ અને કમાન્ડર-ઈન-ચીફ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા આદેશ હેઠળ આ ચોકસાઈપૂર્વકના (Precision) હુમલાઓ કરવામાં આવ્યા છે. યુએસ એરફોર્સ અને નેવીના અત્યાધુનિક ફાઈટર જેટ્સ દ્વારા ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનો અને સર્વેલન્સ રડાર સાઇટ્સને બોમ્બ ફેંકીને નસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ખુલ્લી ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાને ઈરાનની નબળી માનસિકતા અને ઉશ્કેરણીજનક કૃત્ય ગણાવ્યું છે અને તેહરાનની સેનાને આ માટે સીધી જવાબદાર ઠેરવી છે. ટ્રમ્પે પ્રતિજ્ઞા લીધી છે કે યુએસ સૈન્ય પોતાના જવાનો અને આ ક્ષેત્રમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજોની સુરક્ષા માટે હંમેશા સતર્ક છે અને ઈરાનના કોઈપણ અન્યાયી આક્રમણનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.