Oman Ship Attack: ઓમાનના દરિયાકાંઠે એક વેપારી જહાજ પર થયેલા હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 21 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 3 ભારતીય નાગરિકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ઓમાનના સોહાર બંદરથી લગભગ 20 નોટિકલ માઈલ દૂર આ વેપારી જહાજ ‘સેટ્ટેબેલો’ (Settebello) પર હુમલો થયો હતો. હુમલા બાદ જહાજમાં આગ લાગી હોવાના અહેવાલો છે. જહાજમાંથી મળેલા ઈમરજન્સી સિગ્નલ બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ભારતીય દૂતાવાસ એલર્ટ પર
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, ઓમાનમાં સ્થિત ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લાપતા થયેલા 3 ભારતીયોને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઓમાનની નેવી અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ આ બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
વધતા જતા હુમલાઓ અંગે ચિંતા
આ વિસ્તારમાં તાજેતરના સમયમાં વ્યાપારી જહાજો અને નાગરિક માળખાને નિશાન બનાવવાની ઘટનાઓ વધી છે, જે અંગે ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતે આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા અને મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલ લાવવા માટે આહવાન કર્યું છે જેથી આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્ત અને સુરક્ષિત વેપાર ફરી શરૂ થઈ શકે.
