America Illegal Infiltration: અમેરિકા અને ભારત વચ્ચેનું આશરે 12,070 કિલોમીટરનું અંતર ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતા અટકાવી શક્યું નથી. US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (US CBP) દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, વર્ષ 2026 માં અમેરિકન સીમા સુરક્ષા વિભાગ દ્વારા પકડાયેલા 21 દેશોના નાગરિકોમાં ભારતીયો ત્રીજા ક્રમે રહ્યા છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રેશન સામે લીધેલા કડક પગલાં બાદ ઘૂસણખોરીના કિસ્સામાં ઘટાડો નોંધાયો છે, છતાં ભારતથી ગેરકાયદે અમેરિકા જતા લોકોની સંખ્યા હજુ પણ ચિંતાજનક સ્તરે છે. અમેરિકન બોર્ડર પર પકડાયેલા 30,528 ભારતીયોની સંખ્યા મેક્સિકો અને કેનેડા જેવા દેશોને બાદ કરતા બાકીના તમામ દેશો કરતા વધુ છે.
ગેરકાયદે ઘૂસણખોરીમાં ગુજરાતીઓ સૌથી વધુ
ગેરકાયદે ઈમિગ્રેશન નેટવર્કના જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખતરનાક માર્ગે અમેરિકા જવાનો પ્રયાસ કરનારા લોકોમાં સૌથી મોટી સંખ્યા ગુજરાતીઓની છે, જેની સાથે પંજાબ અને આંધ્રપ્રદેશના લોકો પણ સામેલ છે. કાયદાકીય કડક કાર્યવાહી અને ભૂતકાળમાં સર્જાયેલી અનેક કરુણ ઘટનાઓ છતાં લોકો આજે પણ 'ડંકી રુટ' તરીકે ઓળખાતા જોખમી માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે.
માત્ર ગુજરાતની વાત કરીએ તો, વર્ષ 2022 થી 2025 વચ્ચે આ ગેરકાયદે માર્ગે અમેરિકા પહોંચવાના પ્રયાસ દરમિયાન ઓછામાં ઓછા 11 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 11 લોકો ઈજાગ્રસ્ત થયા અથવા તો ગુમ થયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આંકડાની સરખામણી કરવામાં આવે તો, આ યાદીમાં મેક્સિકો 1,23,039 સરહદી બનાવો સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે કેનેડા 37,700 કિસ્સાઓ સાથે બીજા ક્રમે રહ્યું છે. ભારત 30,528 કેસો સાથે ત્રીજા ક્રમે છે.
જોકે, છેલ્લા 3 વર્ષથી ભારત સતત ટોચના 3 દેશોમાં રહ્યું હોવા છતાં આંકડાકીય દ્રષ્ટિએ મોટો ઘટાડો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2024 માં ભારતીય નાગરિકોના 90,415 કેસ નોંધાયા હતા, જે ઘટીને નાણાકીય વર્ષ 2025 માં 34,146 થયા હતા. જ્યારે નાણાકીય વર્ષ 2026 (ઓક્ટોબર 2025 થી સપ્ટેમ્બર 2026) માં આંકડો લગભગ 66% ઘટીને 30,528 પર આવી ગયો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક નીતિનું પરિણામ
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે 5-6 નવેમ્બર 2024 ના રોજ યોજાયેલી US પ્રમુખપદની ચૂંટણીમાં વિજય મેળવ્યો અને 20 જાન્યુઆરી 2025 ના રોજ અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને વિધિવત સત્તા સંભાળી હતી. તેમના શાસનનો મુખ્ય ભાર અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા પ્રવાસીઓ સામે સખત કાર્યવાહી કરવાનો રહ્યો છે.
સમગ્ર વૈશ્વિક સ્તરે CBP દ્વારા નાણાકીય વર્ષ 2026 માં કુલ 3,82,490 બોર્ડર એનકાઉન્ટર નોંધ્યા છે, જે નાણાકીય વર્ષ 2025 ના 6,91,906 કિસ્સાઓ કરતાં લગભગ 45% ઓછા છે. અગાઉના વર્ષોમાં આ આંકડા ખૂબ જ ઊંચા હતા; નાણાકીય વર્ષ 2024 માં 29 લાખ અને નાણાકીય વર્ષ 2023 માં 32 લાખ કિસ્સાઓ નોંધાયા હતા.
વૈશ્વિક સરહદી આંકડા-વિવિધ દેશોની સ્થિતિ
- મેક્સિકો: 1,23,039 કેસ (પ્રથમ ક્રમે)
- કેનેડા: 37,700 કેસ (બીજા ક્રમે)
- ભારત: 30,528 કેસ (ત્રીજા ક્રમે, ગુજરાતીઓ સૌથી વધુ)
- ચીન: 29,818 કેસ
- ગ્વાટેમાલા: 18,319 કેસ
- ફિલિપાઈન્સ: 17,985 કેસ
- હોન્ડુરાસ: 13,005 કેસ
- બ્રાઝિલ: 6,285 કેસ
- રશિયા: 5,327 કેસ
- વેનેઝુએલા: 4,945 કેસ
- અન્ય દેશો: અન્ય રાષ્ટ્રીયતા ધરાવતા નાગરિકોના કુલ 63,678 કેસ રજીસ્ટર થયા છે.
