'12,000 ફૂટની ઊંચાઈ પર ખુલી ગયો દરવાજો', બાંગ્લાદેશમાં ભારતીય એર એમ્બ્યુલન્સનું ઈમરજન્સી લેન્ડિંગ; દર્દીનું મોત

મહિલા દર્દીનું મોત સર્જાયેલી પરિસ્થિતિના કારણે થયું કે બીમારીના કારણે, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 19 Oct 2026 02:41 PM (IST)Updated: Mon, 19 Oct 2026 02:41 PM (IST)
indian-air-ambulance-emergency-landing-in-bangladesh-dhaka-patient-dies
File Image

Bangladesh News: અગરતલાથી કોલકાતા જઈ રહેલી એક ભારતીય એર એમ્બ્યુલન્સમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ બાંગ્લાદેશની રાજધાની ઢાકા ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાનમાં સવાર 56 વર્ષીય મહિલા દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે વિમાનમાં સવાર અન્ય તમામ 6 લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

12,000 ફૂટની ઊંચાઈ પર દરવાજો ખુલી ગયો

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, અગરતલાથી કોલકાતા જઈ રહેલી એક ભારતીય એર એમ્બ્યુલન્સ સાથે આ બનાવ બન્યો છે. રવિવારના રોજ 'બીચક્રાફ્ટ કિંગ એર C90A' (Beechcraft King Air C90A) વિમાન 12,000 ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારે જ ટેકનિકલ ખામીને કારણે તેનો દરવાજો હવામાં જ આંશિક રીતે ખુલી ગયો હતો.

આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે બાંગ્લાદેશમાં ઢાકાના 'હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક' (Hazrat Shahjalal International Airport) પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માંગી હતી. વિમાન બપોરે આશરે 1:40 વાગ્યે ઢાકા એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

વિમાનમાં સવાર હતા દર્દી સહિત કુલ 7 લોકો

આંતરરાષ્ટ્રીય લેન્ડિંગની પૂર્વ મંજૂરી ન હોવા છતાં બાંગ્લાદેશ સરકારે માનવતાના ધોરણે તાત્કાલિક વિમાનને ઉતરવાની મંજૂરી આપી અને તમામ શક્ય મદદ પૂરી પાડી હતી. લેન્ડિંગ પછી તુરંત જ ગંભીર રીતે બીમાર દર્દી અંજના ભૌમિકને 'કુર્મિંતોલા સ્પેશિયલાઇઝ્ડ હોસ્પિટલ' (Kurmitola Specialized Hospital) ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં સાંજે 4:40 કલાકે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મહિલા દર્દીનું મોત ટેકનિકલ ખામીથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે થયું કે તેમની બીમારીના કારણે, તે અંગે તપાસ શરૂ કરી છે. આ એર એમ્બ્યુલન્સમાં બે પાયલટ, એક તબીબ, એક પેરામેડિક, દર્દી અને તેમના બે સંભાળ રાખનારા સહિત કુલ સાત લોકો સવાર હતા. ઘટના બાદ ઢાકા સ્થિત ભારતીય હાઈકમિશને જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવા માટે બાંગ્લાદેશી સત્તાવાળાઓ સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ એર એમ્બ્યુલન્સ ભારતની 'એસકેબી ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ' (SKB Infracon Private Limited) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.