Mojtaba Khamenei: એક નિર્ણયથી બચી ગયો જીવ, કેવી રીતે થયો મોજતબા ખામેનેઈનો આબાદ બચાવ? રિપોર્ટમાં થયો ખુલાસો

મિસાઈલ હુમલામાં પિતા માર્યા ગયા, પરંતુ મોજતબા ખામેનેઈનો આબાદ બચાવ હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 17 Mar 2026 12:18 PM (IST)Updated: Tue, 17 Mar 2026 12:18 PM (IST)
how-did-mojtaba-khamenei-survive-an-israeli-missile-attack-report-reveals
HIGHLIGHTS
  • મોજતબા ખામેનેઈનો હુમલામાં થયો બચાવ
  • એક રિપોર્ટમાં થયો છે ચોંકાવનારો ખુલાસો
  • ઈરાનમાં મળેલી બેઠકનું ઓડિયો રેકોર્ડિંગ લીક

Mojtaba Khamenei Escapes Attack: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અમેરિકન-ઇઝરાયેલી મિસાઈલ હુમલામાં માંડ માંડ બચ્યા હતા, જે હુમલામાં તેમના પિતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત નીપજ્યું હતું. ઈરાનની આંતરિક બેઠકના લીક થયેલા એક ઓડિયો રેકોર્ડિંગ આધારિત રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.

લીક થયેલા ઓડિયો રેકોર્ડિંગમાં શું છે?

ધ ટેલિગ્રાફના એક રિપોર્ટ અનુસાર, ગત 12 માર્ચના રોજ વરિષ્ઠ ઈરાની ધર્મગુરુઓ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડરો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન થયેલી વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ હાલ પ્રકાશમાં આવ્યું છે. 

લીક થયેલા ઓડિયો રેકોર્ડિંગમાં અયાતુલ્લા અલી ખામેનેઈના કાર્યાલયના પ્રોટોકોલ પ્રમુખ મઝાહિર હુસૈની કહેતા સંભળાય છે કે, મોજતબા ખામેનેઈ તેમના પિતા સાથે ઈમારતની અંદર હાજર હતા, પરંતુ મિસાઈલ ત્રાટકવાની બરાબર પહેલાં જ તેઓ બહાર નીકળી ગયા હતા. હુમલાની થોડી સેકન્ડ પહેલા જ ત્યાંથી નીકળી જવાને કારણે તેમનો જીવ બચી ગયો હતો.

ત્રણ 'બ્લુ સ્પેરો' મિસાઈલથી થયો હુમલો 

આ ઓડિયો રેકોર્ડિંગમાં મઝાહિર હુસૈનીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “અલ્લાહની મરજી હતી કે મોજતબા કોઈ કામથી આંગણામાં જાય અને પછી પાછા ફરે. તેઓ બહાર હતા અને ઉપરના માળે જઈ રહ્યા હતા, ત્યારે જ મિસાઈલથી ઈમારત પર હુમલો થયો”. આ બનાવમાં અયાતુલ્લા અલી ખામેનેઈ સહિત ડઝનબંધ વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધીઓ માર્યા ગયા.

મઝાહિર હુસૈનીના કથિત રીતે એમ પણ જણાવ્યું હતું કે, આ હુમલામાં ત્રણ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક મિસાઈલ કમ્પાઉન્ડના એ ભાગમાં પડી, જ્યાં મોટા ખામેનેઈ હાજર હતા. બીજી મિસાઈલ ઉપરના માળે મોજતબા ખામેનેઈના આવાસ પર અને ત્રીજી મિસાઈલ તેમના બનેવી મિસ્બાહ અલ-હુદા બઘેરી કાનીના ઘર પર પડી હતી.

હુમલાના વિનાશક પ્રભાવનું ભયાનક વર્ણન

આ ઓડિયો રેકોર્ડિંગમાં હુમલાના વિનાશક પ્રભાવનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. કથિત રીતે મઝાહિર હુસૈનીના જણાવ્યા મુજબ, આ હુમલામાં ઈરાની સેના પ્રમુખ મોહમ્મદ શિરાઝી માર્યા ગયા હતા. અને ધડાકાના કારણે તેમના શરીરના ટુકડા થઈ ગયા હતા. તેમને અંતે માંડ થોડા કિલો માંસ જ મળી શક્યું, જેની તેમના શરીર તરીકે ઓળખ કરવામાં આવી.

28 ફેબ્રુઆરીનો એ ભયાનક મિસાઈલ હુમલો

આપને જણાવી દઈએ કે, 28 ફેબ્રુઆરીના રોજ 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ કરવામાં આવેલી આ સ્ટ્રાઇકમાં તેહરાન સ્થિત ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના રહેણાક પરિસરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં સુપ્રીમ લીડર સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ માર્યા ગયા હતા.

રિપોર્ટ અનુસાર, આ ભયાનક હુમલામાં મોજતબા ખામેનેઈને પગમાં માત્ર સામાન્ય ઈજા થઈ હતી, જોકે તેમની પત્ની હદ્દાદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ખામેનેઈના બીજા પુત્ર મુસ્તફા ખામેનેઈ અને તેમની પત્નીનો આ હુમલામાં આબાદ બચાવ થયો હતો.