બેલ્જિયમમાં ઘરનું સમારકામ કરતી વખતે દીવાલમાંથી મળ્યો ₹99 કરોડનો સોનાનો ખજાનો, હવે કોને મળશે આ માલિકી?

બેલ્જિયમમાં ઘરના સમારકામ દરમિયાન દીવાલમાંથી ₹99 કરોડનું સોનું મળ્યું. 5 વર્ષ સુધી કાનૂની માલિકની રાહ જોવાશે. જાણો બેલ્જિયમ કાયદાની વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 16 Aug 2026 06:39 PM (IST)Updated: Sun, 16 Aug 2026 06:39 PM (IST)
gold-treasure-worth-99-crore-found-in-a-wall-during-home-renovations-in-belgium-who-will-own-it-now

Belgium News: બેલ્જિયમના ઈસ્ટ ફ્લેન્ડર્સ વિસ્તારમાં એક જૂના ઘરના રિનોવેશન દરમિયાન મજૂરોને દીવાલની અંદરથી અબજો રૂપિયાનો સોનાનો ખજાનો મળી આવ્યો છે. ગટરના પાઇપ નાખવા માટે ભોંયરાની દીવાલ તોડતી વખતે મજૂરોને સોનાના સિક્કા અને ઈંટો મળી આવી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 9 મિલિયન યુરો એટલે કે ભારતીય રૂપિયા મુજબ આશરે ₹99 કરોડ આંકવામાં આવી રહી છે.

18 વર્ષના યુવકે સૌથી પહેલા જોયો ખજાનો

આ કામમાં ગરમીની રજાઓમાં પોકેટમની કમાવવા આવેલો 18 વર્ષનો યુવક 'કોબે' પણ સામેલ હતો. તેણે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે શરૂઆતમાં તેમને લાગ્યું કે સામાન્ય 1 યુરોના સિક્કા છે. પરંતુ જ્યારે દીવાલમાંથી સોનાની અસલી ઈંટ બહાર આવી ત્યારે સમગ્ર બાબત સમજાઈ ગઈ હતી. સાઈટ મેનેજરે તાત્કાલિક સમજદારી દાખવીને સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી.

ખજાનો હાલ ચેરિટી સંસ્થાની મિલકતમાં

જે મકાનમાંથી આ અબજો રૂપિયાનું સોનું મળી આવ્યું છે, તે હાલમાં આશરે 47 હજારની વસ્તી ધરાવતા ડ્રેન્ડરમોન્ડે શહેરની એક દાન-ધર્મ કરતી ચેરિટી સંસ્થાની માલિકીનું છે. સંસ્થાના નિયામક ગર્ટ હિલિયર્ટે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે જો કાયદાકીય પ્રક્રિયા બાદ આ રકમ સંસ્થાને મળશે તો તેનો ઉપયોગ ગરીબો અને જરૂરિયાતમંદોના કલ્યાણ માટે કરવામાં આવશે.

હવે કોણ બનશે આ સોનાનો માલિક?

બેલ્જિયમના કાયદા મુજબ, કોઈપણ અનામી ખજાનો મળે ત્યારે તેના મૂળ કાનૂની વારસદાર કે માલિકની શોધ માટે 5 વર્ષ (1,823 દિવસ)નો સમય આપવામાં આવે છે. જો આ સમયગાળા દરમિયાન કોઈ દાવો નહીં કરે અથવા આ સોનું કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલું સાબિત નહીં થાય, તો કાયદા મુજબ આ ખજાનો મિલકત ધરાવતી સંસ્થા અને સોનું શોધનાર મજૂરો વચ્ચે અડધો-અડધો વહેંચવામાં આવશે. હાલ પોલીસે તમામ સોનું સુરક્ષિત જગ્યાએ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.