Shah Mahmood Qureshi Hospitalised: પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઇનસાફ’ (PTI)ના ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરૈશીની તબિયત અચાનક લથડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લાહોરની ચર્ચિત કોટ લખપત જેલમાં બંધ 70 વર્ષીય કુરૈશી પોતાની બેરેકમાં ચાલતી વખતે ચક્કર આવવાના કારણે જમીન પર ઢળી પડ્યા હતા.
બેરેકમાં ફરતી વખતે બની ઘટના
જેલ તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સોમવારે શાહ મહમૂદ કુરૈશી પોતાની બેરેકની બહાર ટહેલી રહ્યા હતા ત્યારે તેમને અચાનક ચક્કર આવ્યા હતા. સંતુલન ગુમાવવાને કારણે તેઓ જમીન પર પટકાતાં તેમને હાથ અને ઘૂંટણના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેલ તબીબોએ પ્રાથમિક તપાસ કર્યા બાદ તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક લાહોરની ‘પંજાબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી’ (PIC) ખાતે ખસેડવાનો નિર્ણય લીધો હતો.
કુરૈશીના વકીલ રાણા મુદસ્સર ઉમરે જણાવ્યું હતું કે, કુરૈશીને હાલ તબીબોની વિશેષ ટીમની દેખરેખ હેઠળ 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. હૃદય સંબંધિત અને અન્ય આવશ્યક તબીબી ટેસ્ટ પૂર્ણ થયા બાદ જ નિર્ણય લેવાશે કે તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે કે જેલમાં પાછા મોકલાશે.
ઓગસ્ટ 2023થી જેલમાં છે બંધ
ઉલ્લેખનીય છે કે, 9 મે 2023ના રોજ ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ભડકેલી દેશવ્યાપી હિંસા અને તોફાનોના મામલે શાહ મહમૂદ કુરૈશી વિરુદ્ધ અનેક કેસો નોંધાયેલા છે. આ હિંસક વિરોધ પ્રદર્શનો અને સરકારી તેમજ લશ્કરી મિલકતો પર થયેલા હુમલાઓ સંબંધિત કેસોમાં તેઓ ઓગસ્ટ 2023થી કોટ લખપત જેલમાં કેદ છે.
દીકરી મેહર બાનોનો આક્રોશ: "સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરી"
આ ઘટના બાદ શાહ મહમૂદ કુરૈશીની પુત્રી મેહર બાનોએ સોશિયલ મીડિયા પર પોતાની વેદના અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે- સાડા ત્રણ વર્ષ પહેલાં એક સંપૂર્ણપણે સ્વસ્થ અને હિંમતવાન વ્યક્તિને ખોટા અને રાજકીય રીતે પ્રેરિત આરોપો હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમણે પોતાના સિદ્ધાંતો અને પક્ષ પ્રત્યેની વફાદારી સાથે ક્યારેય બાંધછોડ કરવાનો ઇનકાર કર્યો છે. 9 મેની ઘટનાઓના નામે બનાવેલા ઝૂઠા કેસોને કારણે તેઓ બે વર્ષ કરતાં પણ વધુ સમયથી જેલની કાળી કોટડીમાં અસહ્ય યાતનાઓ ભોગવી રહ્યા છે.
રાજકીય ગરમાવો
પાકિસ્તાનમાં ઇમરાન ખાન સહિત પીટીઆઈના ટોચના મોટાભાગના નેતાઓ જેલમાં બંધ છે. તેવામાં પક્ષના બીજા ક્રમના સૌથી કદાવર નેતા અને પૂર્વ વિદેશ મંત્રી કુરૈશીની જેલમાં તબિયત લથડતાં જ પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. પીટીઆઈના સમર્થકો દ્વારા જેલ તંત્ર પર નેતાઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
