'તેણે મને અનેક વાર માર્યો...'; ફ્લાયદુબઈ ફ્લાઇટમાં ભારતીય પાયલટ પર કો-પાયલટના હુમલા પછીનો વીડિયો વાયરલ

સામે આવેલા વીડિયો ફૂટેજ મુજબ, ઓમાની કો-પાયલટે અચાનક વિમાનનો કાબૂ છીનવીને તેને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કેપ્ટન સ્મિત મચ્છરે તેનો વિરોધ કર્યો ત્યારે હુમલાખોર કો-પાયલટે તેમના પર છરી વડે સતત અનેક વાર કર્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 02 Oct 2026 10:23 AM (IST)Updated: Fri, 02 Oct 2026 10:23 AM (IST)
flydubai-flight-crash-attempt-indian-captain-smit-machhar-saves-passengers
ફ્લાયદુબઈ હાઇજેકનો પ્રયાસ

Flydubai Hijack Attempt: યુનાઇટેડ આરબ અમીરાત (UAE) થી ઇઝરાયેલના તેલ અવીવ જઇ રહેલી ફ્લાયદુબઈ (flydubai) ની ફ્લાઇટમાં મિડ-એર ડ્રામા અને આતંકનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ઓમાની કો-પાયલટે ફ્લાઇટ દરમિયાન વિમાનને ક્રેશ કરવાનો અને કેપ્ટન પર છરી વડે ઘાતક હુમલો કરવાનો જોખમી પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય મૂળના બહાદુર પાયલટ અને કેપ્ટન સ્મિત મચ્છરે ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં અસાધારણ સૂઝબૂઝ દર્શાવીને તમામ 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવી લીધા હતા. તાજેતરમાં ઇઝરાયેલની ચેનલ 12 પર વિમાનની અંદરનો એક હચમચાવી નાખનારો વીડિયો પ્રસારિત થતાં આખી ઘટનાનો ખુલાસો થયો છે.

કોકપિટમાં છરી વડે હુમલો અને અફરાતફરી

સામે આવેલા વીડિયો ફૂટેજ મુજબ, ઓમાની કો-પાયલટે અચાનક વિમાનનો કાબૂ છીનવીને તેને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કેપ્ટન સ્મિત મચ્છરે તેનો વિરોધ કર્યો ત્યારે હુમલાખોર કો-પાયલટે તેમના પર છરી વડે સતત અનેક વાર કર્યા હતા. ઘટના સમયે કેબિનમાં ભારે ચીસાચીસ અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. વીડિયોમાં ક્રૂ મેમ્બર મુસાફરોને "ડોક્ટર, શું અહીં કોઈ ડોક્ટર છે?" તેવી હાકલ કરતા સંભળાય છે. વિમાનમાં સવાર ઇઝરાયેલી ડેન્ટિસ્ટ ડૉ. શોટા મુસાએવ તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા હતા.

લોહીલુહાણ કેપ્ટનની અદભૂત બહાદુરી

કોકપિટની બહાર જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલા કેપ્ટન સ્મિત મચ્છરે જણાવ્યું હતું કે કો-પાયલટે તેમના પર છરીથી ઘાતક હુમલો કર્યો હતો. હાથમાં ગંભીર ઈજા હોવા છતાં, કેપ્ટન મચ્છરે કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની મદદ લીધી હતી. મુસાફરો અને ફ્લાઇટ ક્રૂએ મળીને આતંકવાદી માનસિકતા ધરાવતા કો-પાયલટને કાબૂમાં લીધો હતો.

સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ

આ ભયાનક સ્થિતિ વચ્ચે વિમાનનું સાઉદી અરેબિયા ખાતે તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સ્થાનિક તબીબી ટીમે વિમાનમાં પહોંચીને ઘાયલ કેપ્ટન મચ્છરને પ્રાથમિક સારવાર આપી હતી. બીજી તરફ, મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે હુમલાખોર કો-પાયલટના હાથ પાછળ બાંધીને તેને ઘૂંટણિયે બેસાડી રાખ્યો હતો અને સાઉદી પોલીસને સોંપ્યો હતો.

યુએઈ દ્વારા આતંકવાદી એંગલથી તપાસ શરૂ

ઘટના બાદ ઓમાની સહ-પાયલોટને સાઉદી કસ્ટડીમાંથી યુએઈ (UAE) ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. અબુ ધાબી સત્તાવાળાઓએ આ ઘટના પાછળ કોઈ પૂર્વ-આયોજિત આતંકવાદી કાવતરું કે આંતરરાષ્ટ્રીય સંગઠનની સંડોવણી છે કે કેમ તે દિશામાં હાઈ-લેવલ તપાસ શરૂ કરી છે. કેપ્ટન સ્મિત મચ્છરની આ સાહસિક કામગીરીની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે.