Quad Business Leaders Forum 2027: વૈશ્વિક રાજનીતિ અને આર્થિક મોરચે ભારતનું કદ સતત વધી રહ્યું છે. ક્વાડ (QUAD) બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્યું છે કે, આગામી વર્ષે એટલે કે 2027માં પ્રથમ ‘ક્વાડ બિઝનેસ લીડર્સ ફોરમ’ (Quad Business Leaders Forum)નું આયોજન ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં કરવામાં આવશે. ભારત પ્રથમ વખત આ મહત્વપૂર્ણ વૈશ્વિક ફોરમની યજમાની કરવા જઈ રહ્યું છે.
ચારેય દેશો વચ્ચે આર્થિક સહયોગ અને સપ્લાય ચેઈન પર ભાર
મુંબઈમાં યોજાનાર આ બિઝનેસ ફોરમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્વાડ સમૂહના ચારેય સભ્ય દેશો (ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા) વચ્ચેના આર્થિક અને વ્યાપારિક સહયોગને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે.
બીજી તરફ, આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વપૂર્ણ અને દુર્લભ ખનિજો (Critical and Rare Earth Minerals)ને લઈને કરવામાં આવેલા નવા કરારો અંગે માહિતી આપી હતી. આ કરારોનો મુખ્ય હેતુ વૈશ્વિક સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવાનો અને કોઈ એક વિદેશી સપ્લાયર પરની નિર્ભરતા તથા દબાણની આશંકાઓને ઘટાડવાનો છે.
23મા ભારત-આસિયાન સંમેલનમાં પીએમ મોદીનો 8 સૂત્રીય પ્રસ્તાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23મા ભારત-આસિયાન શિખર સંમેલનને સંબોધિત કરતા દીર્ઘકાલીન ‘આસિયાન-ભારત દરિયાઈ સહયોગ યોજના’નો પ્રસ્તાવ મૂક્યો છે. આ યોજના હિંદ-પ્રશાંત (Indo-Pacific) ક્ષેત્રમાં કનેક્ટિવિટી, વૈજ્ઞાનિક સંશોધન, આપત્તિ વ્યવસ્થાપન, કોસ્ટ ગાર્ડ સહયોગ અને નાવિકોની સુરક્ષાને મજબૂત બનાવશે.
આસિયાન દેશોએ પણ ભારતના આ પ્રસ્તાવ પ્રત્યે સકારાત્મક વલણ દાખવ્યું છે. નિષ્ણાતોના મતે, જો આ દિશામાં નક્કર પગલાં લેવામાં આવશે, તો હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના આક્રમક વલણ સામે આસિયાન દેશો સાથે મજબૂત ગઠબંધન ઊભું કરવામાં ભારતની આ એક બહુ મોટી કૂટનીતિક જીત સાબિત થશે.
મફત ઈ-વીઝા અને પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહયોગનું સૂચન
બંને પક્ષો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પીએમ મોદીએ આસિયાન દેશોના પ્રવાસીઓ માટે મફત ઈ-વીઝા (Free e-Visa) અને આસિયાન-ભારત પરમાણુ ઊર્જા ટેકનિકલ આદાન-પ્રદાનનો પણ મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
સંમેલનને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે- છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયા એક પછી એક અનેક સંકટોમાંથી પસાર થઈ છે. આજે વિશ્વને સૌથી વધુ જરૂર શાંતિ, સ્થિરતા અને પૂર્વાનુમાન (Predictability)ની છે. આ સંદર્ભમાં આ વર્ષની થીમ 'નેવિગેટિંગ અવર ફ્યુચર, ટુગેધર' (Navigating Our Future, Together) વિશેષ મહત્વ ધરાવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારત અને આસિયાન મળીને વિશ્વની અંદાજે એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આપણું ભવિષ્ય સ્પર્ધાથી નહીં પરંતુ સહયોગથી નક્કી થવું જોઈએ. છેલ્લા 12 વર્ષોમાં બંને પક્ષોએ ભાગીદારીને નવી ગતિ આપી છે.
‘આસિયાન વિઝન 2045’ અને ‘વિકસિત ભારત 2047’નો સમન્વય
વડાપ્રધાને આસિયાનની એકતા અને કેન્દ્રીયતા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે જણાવ્યું કે 'આસિયાન કોમ્યુનિટી વિઝન 2045' અને 'વિકસિત ભારત 2047' બંને પક્ષોના નાગરિકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી' (Act East Policy) એ આ સંબંધોને નવી ઉર્જા આપી છે. મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ભારત અને આસિયાને ટેકનોલોજીના માત્ર ગ્રાહક બની રહેવાને બદલે તેના સહ-નિર્માતા (Co-creators) બનવું જોઈએ.
વિદેશ મંત્રાલયે જાહેર કરેલા અન્ય મુખ્ય પ્રસ્તાવો
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકમાં પીએમ મોદીએ નીચે મુજબના અન્ય મહત્વપૂર્ણ પ્રસ્તાવો પણ મૂક્યા છે-
સાયબર સુરક્ષા: સંયુક્ત સાયબર ફોરેન્સિક તાલીમ કાર્યક્રમ.
અંતરિક્ષ ક્ષેત્ર: આસિયાન-ભારત સ્પેસ હેકાથોનનું આયોજન.
ખનીજ સંપદા: ખાણકામ અને મહત્વપૂર્ણ ખનિજો પર પરસ્પર સહયોગ.
યુવા કનેક્ટ (Yuva Connect): યુવા શિખર સંમેલન, યુવા સાંસદોનું આદાન-પ્રદાન અને સ્ટાર્ટઅપ હેકાથોન.
શિક્ષણ: નાલંદા યુનિવર્સિટીમાં આસિયાન દેશોના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ (Scholarship)ની સંખ્યામાં વધારો.
સંમેલનના અંતે વડાપ્રધાન મોદી અને આસિયાન નેતાઓએ આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) માં સહયોગ અંગે એક સંયુક્ત નિવેદન પણ બહાર પાડ્યું હતું, જેમાં સ્વતંત્ર, ખુલ્લા અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
