અમેરિકાની FBI ની ‘ટોપ 10 મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં ગોલ્ડી બ્રાર સામેલ, રૂ. 10 કરોડના ઈનામની જાહેરાત

FBI ના જણાવ્યા અનુસાર, ગોલ્ડી બ્રાર ઉત્તર અમેરિકામાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ સંગઠિત ગુનાખોરી જૂથનો મુખ્ય ઓપરેશનલ નેતા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 29 Sep 2026 07:46 AM (IST)Updated: Tue, 29 Sep 2026 07:46 AM (IST)
fbi-top-10-most-wanted-goldy-brar-lawrence-bishnoi-bounty
ગોલ્ડી બ્રાર એફબીઆઈ મોસ્ટ વોન્ટેડ

Goldy Brar FBI Most Wanted: અમેરિકાની સર્વોચ્ચ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એ ભારતીય મૂળના કુખ્યાત ગૅંગસ્ટર સત્યેન્દ્રજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર પરનો શિકંજો વધુ મજબૂત બનાવ્યો છે. FBIએ ગોલ્ડી બ્રારને પોતાની સત્તાવાર 'ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ફરાર ગુનેગારો'ની યાદીમાં સામેલ કર્યો છે. એજન્સીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે જાહેરાત કરતા તેની ધરપકડમાં મદદરૂપ થાય તેવી સચોટ માહિતી આપનાર વ્યક્તિ માટે 1 મિલિયન ડોલર (આશરે 10 કરોડ) ના ભારેખમ ઈનામની જાહેરાત પણ કરી છે.

ઉત્તર અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો મુખ્ય સાગરિત

FBI ના જણાવ્યા અનુસાર, ગોલ્ડી બ્રાર ઉત્તર અમેરિકામાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ સંગઠિત ગુનાખોરી જૂથનો મુખ્ય ઓપરેશનલ નેતા છે. તે દક્ષિણ કેલિફોર્નિયા, અમેરિકાના અન્ય ભાગો અને કેનેડામાં અનેક ગંભીર હિંસક ગુનાઓ ચલાવવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક લક્ષિત હત્યાઓ, રાજકીય અને ધાર્મિક હસ્તીઓ પર હુમલા, ગોળીબાર, અપહરણ, ખંડણી તથા માદક પદાર્થો અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીમાં સંકળાયેલું છે.

‘ઓપરેશન હાર્ડ બોલ’ અને અમેરિકામાં ફેડરલ વોરંટ

કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ફેડરલ કોર્ટે 1 જુલાઈના રોજ ગોલ્ડી બ્રાર વિરુદ્ધ સત્તાવાર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. અમેરિકી સરકારના અહેવાલ મુજબ, ભારતમાં જેલમાં હોવા છતાં લોરેન્સ બિશ્નોઈ ગેરકાયદેસર રીતે મેળવેલા ઈન્ટરનેટ કોલિંગ ઉપકરણો અને મોબાઈલ દ્વારા આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવે છે.

અમેરિકી એજન્સીઓ ખાસ અભિયાન 'ઓપરેશન હાર્ડ બોલ' હેઠળ ભારત સાથે જોડાયેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ગેંગ સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 37 વ્યક્તિઓ સામે ચાર્જશીટ અને 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ માત્ર ગુનાહિત ગેંગ પૂરતી સીમિત છે અને તેમાં કોઈ સરકારી એજન્સીની સંડોવણી નથી.

સિદ્ધુ મૂસેવાલા અને નિજ્જર હત્યાકાંડમાં મુખ્ય આરોપી

પંજાબના શ્રી મુક્તસર સાહિબના વતની અને એક પોલીસ અધિકારીના પુત્ર એવા ગોલ્ડી બ્રારે પોતાના પિતરાઈ ભાઈ ગુરલાલ બ્રારની હત્યાનો બદલો લેવા ગુનાખોરીની દુનિયામાં કદમ મૂક્યો હતો. તેણે પિતરાઈ ભાઈના હત્યારા ગુરલાલ પહેલવાનની હત્યાનું કાવતરું ઘડીને લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયા સાથે હાથ મિલાવ્યા હતા.

પ્રસિદ્ધ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી પોતે સ્વીકાર્યા બાદ ગોલ્ડી બ્રાર ચર્ચામાં આવ્યો હતો. આ ઉપરાંત, ૨૦૨૩માં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવામાં પણ તે મુખ્ય શંકાસ્પદ છે. ભારતના ગૃહ મંત્રાલય (MHA) દ્વારા પહેલેથી જ આતંકવાદી જાહેર કરાયેલો ગોલ્ડી બ્રાર હાલમાં કેનેડાના બ્રેમ્પટનમાં છુપાયેલો છે અને બબ્બર ખાલસા જેવા વિદેશી આતંકવાદી સંગઠનો સાથે મળીને પોતાની ગુનાહિત ગતિવિધિઓ ચલાવી રહ્યો છે.