DR Congo Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન હોનારતમાં 2 જનરલ સહિત 14 લોકોના કરૂણ મોત

કોંગોના લશ્કરી પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેન્ગેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ બે ઉચ્ચ જનરલો ઉપરાંત પ્રતિનિધિમંડળના 12 સભ્યો અને ફ્લાઇટ ક્રૂના સભ્યો પણ આ દુર્ઘટનામાં માર્યા ગયા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 26 Sep 2026 08:13 AM (IST)Updated: Sat, 26 Sep 2026 08:13 AM (IST)
dr-congo-military-plane-crash-kenge-generals-killed
ડીઆર કોંગો લશ્કરી વિમાન દુર્ઘટના

DR Congo Military Plane Crash: મધ્ય આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DR Congo) માં એક મોટી અને દુઃખદ લશ્કરી હોનારત સામે આવી છે. કોંગોની સેનાનું એક લશ્કરી વિમાન ઉડાન દરમિયાન તકનીકી ખામી સર્જાવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ ભીષણ વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. વાયુસેના અને લશ્કરી વર્તુળોના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર તમામ લોકોના આ અકસ્માતમાં સ્થળ પર જ પ્રાણપંખેરૂ ઊડી ગયા હતા.

બે વરિષ્ઠ લશ્કરી જનરલ્સના પણ નીપજ્યા મોત

આ વિમાન દુર્ઘટના દેશની સેના માટે ખૂબ મોટો ફટકો માનવામાં આવી રહી છે, કારણ કે મૃતકોમાં કોંગોના બે અત્યંત વરિષ્ઠ અને ઉચ્ચ હોદ્દો ધરાવતા લશ્કરી અધિકારીઓનો સમાવેશ થાય છે:

  • 1) લેફ્ટનન્ટ જનરલ મુટોમ્બો કાટાલાય ટિએન્ડે (લશ્કરી અદાલતના વડા)
  • 2) લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયા (સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ)

કોંગોના લશ્કરી પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેન્ગેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ બે ઉચ્ચ જનરલો ઉપરાંત પ્રતિનિધિમંડળના 12 સભ્યો અને ફ્લાઇટ ક્રૂના સભ્યો પણ આ દુર્ઘટનામાં માર્યા ગયા હતા.

ઉડાન દરમિયાન ક્યાં અને કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી વિગતો અનુસાર, આ લશ્કરી વિમાન દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા કિકવિટ શહેરથી રવાના થઈને રાજધાની કિંશાસા તરફ પરત ફરી રહ્યું હતું. જોકે, રસ્તામાં ઉડાન દરમિયાન જ વિમાનમાં ગંભીર તકનીકી ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલોટે વિમાન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તે કેન્ગે (Kenge) વિસ્તાર નજીક ક્રેશ થઈને જમીનદોસ્ત થયું હતું.

તપાસના આદેશ, સેનામાં શોકની કાલીમા

દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ એવિએશન ઓથોરિટી બોર્ડના અધ્યક્ષ ટ્રાયફોન કિન-કીય મુલુમ્બાએ સ્પષ્ટ કર્યું હતું કે અકસ્માતનું ટેકનિકલ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નોંધનીય છે કે, કોંગોની સેના હાલમાં વિવિધ બળવાખોર જૂથો (ખાસ કરીને રવાન્ડા-સમર્થિત M23 જૂથ) સામે યુદ્ધ લડી રહી છે, તેવા સમયે જ બે ટોચના કમાન્ડરોના અકાળે અવસાનથી દેશ અને સેનામાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.