US Venezuela News: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે વેનેઝુએલાએ વોશિંગ્ટનને 52 અબજ અમેરિકન ડોલરની કિંમતનું 50 મિલિયન (5 કરોડ) બેરલ તેલ આપવાની ઓફર કરી છે. ટ્રમ્પે આ સોદા પર પોતાની સહમતી દર્શાવી છે. સીએનએનના એક અહેવાલ મુજબ વેનેઝુએલા પાસે 303 અબજ બેરલ ક્રૂડ ઓઈલનો વિશાળ ભંડાર છે. અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) અનુસાર આ વિશ્વના વૈશ્વિક ભંડારનો લગભગ પાંચમો ભાગ છે.
ડીલ પાછળનું કારણ
ટ્રમ્પે જણાવ્યું કે વેનેઝુએલાના સત્તાધીશોએ કહ્યું હતું કે અમારી પાસે 5 કરોડ બેરલ તેલ છે અને અમારે તેને તાત્કાલિક પ્રોસેસ કરવું પડશે કારણ કે અમારી પાસે જગ્યા નથી, શું તમે તે લેશો?. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે અમે તે લઈશું, જેની કિંમત લગભગ 5.2 અબજ અમેરિકન ડોલર બરાબર છે.
આવક પર અમેરિકાનું નિયંત્રણ
સેમાફોરના રિપોર્ટ અને વહીવટીતંત્રના એક અધિકારીના જણાવ્યા અનુસાર તેલના વેચાણથી પ્રાપ્ત થતી આવક હાલમાં અમેરિકી સરકાર દ્વારા નિયંત્રિત બેંક ખાતાઓમાં જમા છે. શાસનના એક અન્ય વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ માટેનું મુખ્ય ખાતું કતારમાં સ્થિત છે.
અમેરિકન કંપનીઓ કરશે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સમારકામ
ટ્રમ્પે કહ્યું કે અમે અમારી ખૂબ મોટી અમેરિકન ઓઈલ કંપનીઓને ત્યાં મોકલશું, જેઓ અબજો ડોલરનો ખર્ચ કરશે અને વેનેઝુએલાના ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સમારકામ કરશે અને દેશ માટે પૈસા કમાવવાનું શરૂ કરશે. અગાઉ પણ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ વેનેઝુએલાના ક્ષતિગ્રસ્ત તેલ માળખાને ઠીક કરવા માટે અબજો ડોલરનું રોકાણ કરવા માટે મોટી અમેરિકન તેલ કંપનીઓને એકત્ર કરવાની યોજના બનાવી રહ્યા છે.
માદુરોની ધરપકડ અને વચગાળાની સરકાર સાથે સંબંધો
અમેરિકી સૈન્ય અભિયાનમાં વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડ્યા બાદ રચાયેલી વેનેઝુએલાની વચગાળાની સરકાર સાથેના સંબંધોના ટ્રમ્પે વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે વર્તમાન વચગાળાના રાષ્ટ્રપતિ અને બાકીના તમામ લોકો સાથે તેમના સંબંધો ખૂબ સારા રહ્યા છે. માદુરોની ધરપકડ બાદ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે વોશિંગ્ટન આ દરમિયાન વેનેઝુએલાનું સંચાલન કરશે અને તેને તેલ સહિત દેશની અન્ય વસ્તુઓ સુધી સંપૂર્ણ પહોંચની જરૂર છે.
