અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે Nvidia ના CEO જેન્સેન હુઆંગનો કર્યો બચાવ: ચીની જાસૂસી વિવાદ વચ્ચે કહ્યું- 'મને હુઆંગ પર પૂરો વિશ્વાસ'

વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ બ્રીફિંગ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે આ અંગે હુઆંગ સાથે વ્યક્તિગત વાતચીત કરી છે અને તેમને વિશ્વાસ છે કે Nvidia વડા આ કથિત જાસૂસી પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે અજાણ હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 10 Nov 2026 09:03 AM (IST)Updated: Tue, 10 Nov 2026 09:03 AM (IST)
donald-trump-defends-nvidia-ceo-jensen-huang-chinese-spy-allegations
ડોનાલ્ડ ટ્રમ્પ

Trump Defends Jensen Huang: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Nvidia ના સીઈઓ (CEO) જેન્સેન હુઆંગનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. જેન્સેન હુઆંગ પર ચીની જાસૂસી સાથે જોડાયેલી એક મહિલા ઉદ્યોગપતિ સાથે ગાઢ સંબંધો હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ બ્રીફિંગ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે આ અંગે હુઆંગ સાથે વ્યક્તિગત વાતચીત કરી છે અને તેમને વિશ્વાસ છે કે Nvidia વડા આ કથિત જાસૂસી પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે અજાણ હતા.

ટ્રમ્પે કહ્યું: 'હું હુઆંગના નિવેદન પર વિશ્વાસ કરું છું'

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે આ આરોપો સાંભળીને તેઓ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટ્રમ્પે કહ્યું, "મેં જેન્સેન હુઆંગને પૂછ્યું કે 'શું તમને ખબર હતી કે તે મહિલા જાસૂસ છે?' જેના જવાબમાં તેમણે કહ્યું કે 'મને બિલકુલ ખ્યાલ નહોતો કે તે જાસૂસ છે.' હું તેમના નિવેદન પર સંપૂર્ણ વિશ્વાસ કરું છું. હુઆંગ એક ખૂબ જ આદરણીય વ્યક્તિ છે અને મને ખાતરી છે કે તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી સુરક્ષિત બહાર આવશે."

ઉલ્લેખનીય છે કે 'ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ'ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુએસ ગુપ્તચર અધિકારીઓ માને છે કે સંબંધિત ચીની મહિલા ઉદ્યોગપતિ બેઇજિંગ (ચીન) માટે માહિતી એકઠી કરી રહી હતી અને હુઆંગ સાથેના સંબંધોનો ઉપયોગ કરી રહી હતી. હાલમાં અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈ (FBI) આ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Nvidia ના શેર 7 મહિનાના નીચલા સ્તરે, જેન્સેને માંગી માફી

આ વિવાદ બહાર આવ્યા બાદ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે જ Nvidia ના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને કંપનીના શેર સાત મહિનાના નીચલા સ્તરે ગગડી ગયા હતા. વિવાદ વધતાં Nvidia ના બોર્ડે આ અહેવાલોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવવાની જાહેરાત કરી છે.

બીજી તરફ, જેન્સેન હુઆંગે તે મહિલા સાથે પોતાના અંગત કે વ્યાવસાયિક સંબંધ હોવાનો સ્વીકાર કર્યો છે, જોકે તેમણે મહિલાની ઓળખ જાહેર કરી નથી. Nvidia ની સત્તાવાર વેબસાઇટ પર એક ખુલ્લો પત્ર જારી કરીને હુઆંગે પોતાની પત્ની અને કંપનીની માફી માંગી છે. તેમણે લખ્યું, "હું આ તપાસને સંપૂર્ણ સમર્થન આપું છું અને તપાસ એજન્સીઓને પૂરો સહયોગ આપીશ. હું મારી કંપની અને દેશને ખૂબ પ્રેમ કરું છું. Nvidia ને સુરક્ષિત રાખવા અને યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન આપવા માટે હું કટિબદ્ધ છું."

ચીને આરોપો ફગાવ્યા, સિલિકોન વેલીમાં રાજકીય ગરમાવો

સોમવારે ચીને આ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બેઇજિંગે માહિતી એકઠી કરવા માટે આ મહિલાનો ઉપયોગ કર્યો હોવાના દાવા પાયાવિહોણા છે અને તે દેશને બદનામ કરવાનું આંતરરાષ્ટ્રીય અભિયાન છે.

ઉલ્લેખનીય છે કે, સિલિકોન વેલીમાં જેન્સેન હુઆંગને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સાથીઓ પૈકીના એક ગણવામાં આવે છે. બંને વચ્ચે 2015થી ગાઢ સંબંધો રહ્યા છે. પોતાની કંપનીની અદ્યતન એઆઈ (AI) ચિપ્સને ચીની બજારમાં વેચવાની મંજૂરી મેળવવા અને વહીવટી નીતિઓમાં સમર્થન મેળવવા માટે હુઆંગે અગાઉ પણ અનેક વખત વોશિંગ્ટનની મુલાકાત લીધી હતી. હવે FBI તપાસમાં શું સામે આવે છે તેના પર સમગ્ર આઇટી અને ટેક જગતની નજર ટકેલી છે.